ઑસ્ટ્રેલિયાએ વિક્રમજનક સાતમી વાર પાકિસ્તાનનો વ્હાઇટ વૉશ કર્યો
કાંગારૂંઓની ધરતી પર પાકિસ્તાનીઓ લાગલગાટ 17મી ટેસ્ટ હારી ગયા : વૉર્નરની ટેસ્ટ કરીઅર પર પડ્યો પડદો
સિડની : ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને ચોથા દિવસે હરાવીને ટેસ્ટમાં સાતમી વખત વ્હાઇટ વૉશ કર્યો હતો જે વિશ્ર્વવિક્રમ છે. આ સાતમાંથી છ ક્લીન સ્વીપ ઑસ્ટ્રેલિયામાં થઈ છે. પચીસ વર્ષથી ઑસ્ટ્રેલિયા ઘરઆંગણે પાકિસ્તાન સામેની ટેસ્ટ જીતતું જ આવ્યું છે. સિડનીમાં ચોથા દિવસે ઑસ્ટ્રેલિયન ટીમે સતત 17મો વિજય તેમની સામે મેળવ્યો હતો.
બન્ને દેશની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ પણ ચોથા દિવસે પૂરી થઈ. ઑસ્ટ્રેલિયાને જીતવા ફક્ત 130 રનનો લક્ષ્યાંક મળ્યો હતો જે એણે 25.5 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. માર્નસ લાબુશેન 62 રને અણનમ રહ્યો હતો અને કારકિર્દીની અંતિમ ટેસ્ટ રમેલા ઓપનર ડેવિડ વૉર્નરે 57 રન બનાવીને જીતમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. બન્ને વિકેટ પાકિસ્તાનના ઑફ સ્પિનર સાજિદ ખાને લીધી હતી. એ પહેલાં, પાકિસ્તાનની ટીમ બીજા દાવમાં 115 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી જેમાં ઓપનર સઇમ અયુબના 33 રન હાઇએસ્ટ હતા. જૉશ હૅઝલવુડે ચાર અને નૅથન લાયને ત્રણ વિકેટ લીધી હતી.
હૅઝલવુડે મૅચમાં તેની અંતિમ ઓવરના છ બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી. પ્રથમ દાવમાં પાકિસ્તાનના 313 રન સામે ઑસ્ટ્રેલિયાએ 299 રન બનાવ્યા હતા. પ્રથમ દાવમાં છ વિકેટ લેનાર પાકિસ્તાની પેસ બોલર આમેર જમાલને મૅન ઑફ ધ મૅચનો અને શ્રેણીમાં હાઇએસ્ટ 19 વિકેટ લેનાા પૅટ કમિન્સને મૅન ઑફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો. જમાલ 18 વિકેટ સાથે બોલરોમાં બીજા નંબરે હતો.