21મી નવેમ્બરથી ઍશિઝ સિરીઝ: ઑસ્ટ્રેલિયાને શરૂઆતથી જ ઝટકા

પૅટ કમિન્સ પછી હવે હૅઝલવૂડ પણ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટની બહાર
પર્થઃ અહીં શુક્રવાર, 21મી નવેમ્બરે ઇંગ્લૅન્ડ સામે ઑસ્ટ્રેલિયાની પાંચ મૅચની ઍશિઝ (Ashes) ટેસ્ટ સિરીઝ શરૂ થશે, પરંતુ યજમાન ઑસ્ટ્રેલિયાને શ્રેણીની શરૂઆત પહેલાં જ મોટો ઝટકો લાગ્યો છે. તેમનો મુખ્ય ફાસ્ટ બોલર જૉશ હૅઝલવૂડ પગના સ્નાયુઓના દુખાવાને કારણે પહેલી ટેસ્ટની બહાર થઈ ગયો છે અને તેના સ્થાને માઇકલ નેસરને સ્ક્વૉડમાં સામેલ કરવામાં આવ્યો છે.
પ્રથમ ટેસ્ટ પર્થ (Perth)માં, બીજી બ્રિસ્બેનમાં, ત્રીજા ઍડિલેઇડમાં, ચોથી મેલબર્નમાં અને પાંચમી સિડનીમાં રમાવાની છે.
હૅઝલવૂડ (Hazzlewood)ની પહેલાં કૅપ્ટન પૅટ કમિન્સ પણ ઈજાને કારણે પ્રથમ ટેસ્ટમાં નહીં રમે એવી જાહેરાત કરવામાં આવી હતી. કમિન્સને પીઠમાં દુખાવો છે.
બ્રેન્ડન ડૉગેટ નામના 31 વર્ષની ઉંમરના નવા ફાસ્ટ બોલરને પર્થની પ્રથમ ટેસ્ટમાં રમવાનો મોકો મળે તો નવાઈ નહીં.
જોકે હાલમાં સ્થિતિ એવી છે કે માઇકલ સ્ટાર્ક અને સ્કૉટ બૉલેન્ડ પર બધો બોજ આવી ગયો છે.
કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ કૅપ્ટન્સી સંભાળશે. બેન સ્ટૉક્સની કૅપ્ટન્સીમાં અને હૅરી બ્રૂકની વાઇસ-કૅપ્ટન્સીમાં ઇંગ્લૅન્ડની ટીમ ઑસ્ટ્રેલિયા રમવા આવી છે. તેમની ટીમમાં જૉ રૂટ ઉપરાંત બેન ડકેટ, ઝૅક ક્રૉવ્લી, ઑલી પૉપ, જૅમી સ્મિથ, જેકબ બેથેલ, વિલ જૅક્સ, બ્રાયડન કાર્સ, આર્ચર, ઍટક્નિસન, શોએબ બશીર, માર્ક વૂડ, જૉશ ટન્ગ અને મૅથ્યૂ પૉટ્સનો સમાવેશ છે.
આ પણ વાંચો…શુભમન ગિલને ગળામાં થયેલી ઈજા ગંભીર! પહેલી ટેસ્ટમાંથી બહાર, બીજીમાં રમવું પણ મુશ્કેલ!



