ભારતને ઑસ્ટ્રેલિયાએ વિક્રમી રન ચેઝ સાથે હરાવ્યું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભારતને ઑસ્ટ્રેલિયાએ વિક્રમી રન ચેઝ સાથે હરાવ્યું

વિશાખાપટનમઃ મહિલા વન-ડે વર્લ્ડ કપમાં રવિવારે ભારત (330 રન) વર્લ્ડ નંબર-વન ઑસ્ટ્રેલિયા (7/331)એ દિલધડક મુકાબલામાં ભારત (India)ને ત્રણ વિકેટ અને છ બૉલ બાકી રાખીને હરાવી દીધું હતું. 331 રન મહિલા વન-ડે ક્રિકેટમાં સફળ અને વિક્રમજનક રન ચેઝ (run chase) છે.

કૅપ્ટન અલીઝા હિલીએ સૌથી વધુ લડત આપીને 107 બૉલમાં 142 રન તથા ઍશ્લેઇ ગાર્ડનરે 45 રન કર્યા હતા. એલીસ પેરી (47 અણનમ) ઈજાને લીધે રિટાયર્ડ આઉટ થઈ ગયા પછી ટીમને જરૂર પડી એટલે પાછી બૅટિંગ કરવા આવી હતી અને લડતભરી ઇનિંગ્સ રમીને વિનિંગ સિક્સર ફટકારી હતી. યજમાન ભારત ચારમાંથી બે મૅચ હારતાં મુશ્કેલીમાં છે. ત્રણ વિકેટ શ્રી ચરનીએ તથા બે-બે વિકેટ દીપ્તિ અને અમનજોતે લીધી હતી.

એ પહેલાં, સ્મૃતિ મંધાના (80 રન, 66 બૉલ, 92 મિનિટ, ત્રણ સિક્સર, નવ ફોર) અને પ્રતીકા રાવલ (75 રન, 96 બૉલ, 114 મિનિટ, એક સિક્સર, દસ ફોર)ની મોટી ઇનિંગ્સને લીધે ભારતીય ટીમ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ 330 રન બનાવી શકી હતી. બન્ને ઓપનર વચ્ચે 155 રનની ભાગીદારી થઈ હતી.

થોડા સમયથી ભારતનો ટૉપ-ઑર્ડર સારું રમવામાં નિષ્ફળ રહેતો હોવાથી ભારતીય બૅટિંગ લાઇન-અપની ટીકા થતી હતી. હર્લીન (38 રન), જેમાઇમા (33 રન), રિચા (32 રન), હરમનપ્રીત (22 રન) અને અમનજોત (16 રન)ના પણ ટીમને નાના-મોટા યોગદાન મળ્યા હતા.

એક્સ્ટ્રામાં ભારતને 24 રન મળ્યા હતા. ઑસ્ટ્રેલિયા વતી ઍનાબેલે પાંચ વિકેટ અને સૉફી મૉલીન્યૂક્સે ત્રણ વિકેટ લીધી હતી.

આપણ વાંચો: સ્મૃતિ મંધાનાએ એકસાથે બે નવા વર્લ્ડ રેકૉર્ડ રચ્યાં: મહિલા વન-ડેની એવી પહેલી બૅટર બની જેણે…

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button