AUS vs PAK Test: અમ્પાયર લિફ્ટમાં ફસાયા, રમત મોડી શરૂ થઈ, વાંચો શું છે સમગ્ર મામલો
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે મેલબોર્નમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ બાદ રમત શરૂ થવામાં વિલંબ થયો હતો. તેની પાછળ એક વિચિત્ર કરણ હતું. ત્રીજા દિવસે લંચ પછી બંને ટીમના ખેલાડીઓ અને ઓન ફિલ્ડ અમ્પાયર મેદાનમાં આવ્યા અને દર્શકો રમત શરૂ થવાની રાહ જોવા લાગ્યા. તેમ છતાં રમત શરૂ થઈ શકી ન હતી, કેમ કે થર્ડ અમ્પાયર રિચર્ડ ઇલિંગવર્થ લિફ્ટમાં અટવાઈ ગયા હતા, જેથી તેઓ થર્ડ અમ્પાયરની કેબિનમાં પરત ફરી શક્ય શક્યા ન હતા. આ કારણસર રમત લગભગ 5 મિનિટ મોડી શરૂ થઈ હતી.
તે સમયે ખેલાડીઓ અને મેદાન પરના અમ્પાયરને આની જાણ ન હતી. જો કે, થોડા સમય પછી ફિલ્ડ અમ્પાયરોને આ વિશે ખબર પડી અને પછી ખેલાડીઓને પરિસ્થિતિ વિશે જાણ કરી. થોડા સમય બાદ ઇલિંગવર્થ તેમની કેબિનમાં પરત ફર્યા અને રમત ફરી શરૂ થઇ.
કોમેન્ટેટર્સે મેચ દરમિયાન જણાવ્યું કે થર્ડ અમ્પાયર લિફ્ટમાં ફસાઈ ગયા હતા. આ કારણે લંચ બ્રેક બાદ મેચ થોડી મોડી શરૂ થઈ હતી. મેચ દરમિયાન ટીવી બ્રોડકાસ્ટરે પણ કેમેરાને થર્ડ અમ્પાયરની સીટ તરફ ફેરવ્યો હતો. પરંતુ તેમની બેઠક ખાલી હતી. આ અંગે સોશિયલ મીડિયા પર ઘણી રસપ્રદ પોસ્ટ શેર કરવામાં આવી છે.