ઍટલેટિકો મૅડ્રિડે 90મી મિનિટના ગોલથી મેળવ્યો દિલધડક વિજય…

મૅડ્રિડ: ઍટલેટિકો મૅડ્રિડ ક્લબની ટીમે અહીં ગુરુવારે લા લિગા લીગ તરીકે જાણીતી સ્પૅનિશ લીગમાં સેલ્ટા વિગોને 1-0થી હરાવીને કટ્ટર હરીફ રિયલ મૅડ્રિડની ટીમને આગામી મુકાબલા માટે ચેતવી દીધી હતી. ઍટલેટિકો મૅડ્રિડનો મૅચ-વિનિંગ ગોલ જુલિયન અલ્વારેઝે છેક 90મી મિનિટમાં કર્યો હતો. મૅચની છેલ્લી ક્ષણોમાં તેણે આ ગોલ કરીને ગજબનો વળાંક લાવી દીધો હતો.
અલ્વારેઝે ઍટલેટિકો મૅડ્રિડને વિજય અપાવ્યા પછી કહ્યું, ‘5-0થી વિજય મળે કે 1-0થી, ટીમને ત્રણ પૉઇન્ટ મળે એ મારા માટે વધુ મહત્ત્વનું હોય છે. અમે બધા જાણતા હતા કે સેલ્ટા સામેની આ મૅચ સંઘર્ષપૂર્ણ રહેશે.’
ઍટલેટિકો મૅડ્રિડની ટીમ લા લિગાના પૉઇન્ટ્સ-ટેબલમાં બીજા નંબરની રિયલ મૅડ્રિડથી માત્ર બે પૉઇન્ટ પાછળ છે. બાર્સેલોનાની ટીમ મોખરે છે. હવે ઍટલેટિકો મૅડ્રિડ રવિવારે જીતીને ત્રણ પૉઇન્ટ સાથે રિયલ મૅડ્રિડને પાછળ રાખી દેવા માગે છે.
24 વર્ષનો અલ્વારેઝ આર્જેન્ટિનાનો છે. તે મૅન્ચેસ્ટર સિટીની ટીમ છોડીને ઍટલેટિકો સાથે જોડાયો છે.
ઍટલેટિકો મૅડ્રિડની ટીમ રવિવારની મૅચ બાદ બુધવારથી ચૅમ્પિયન્સ લીગની મૅચો રમશે.