વર્લ્ડ પોલીસ ગેમ્સમાં આસામ પોલીસનો સપાટો, આઠ મેડલ જીતી લીધા…

ગુવાહાટીઃ અમેરિકાના (ઇંગ્લૅન્ડના નહીં) બર્મિંગમ શહેરમાં આયોજિત વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સમાં આસામ પોલીસે (ASSAM POLICE) ભારતનું નામ રોશન કર્યું છે. આસામ પોલીસે વિવિધ સ્પર્ધાઓમાં પાંચ ગોલ્ડ (GOLD)અને ત્રણ સિલ્વર સહિત કુલ આઠ મેડલ જીતી લીધા છે. આ સ્પર્ધા હજી ચાલી રહી છે અને એમાં ભારતના પોલીસ દળના ઍથ્લીટો દેશને વધુ ચંદ્રકો અપાવશે એવી પાક્કી ધારણા છે.
વર્લ્ડ પોલીસ ઍન્ડ ફાયર ગેમ્સ નામની સ્પર્ધા દર બે વર્ષે યોજાય છે. એમાં ઑલિમ્પિક્સ આધારિત હરીફાઈઓનું આયોજન થાય છે અને એમાં અનેક દેશોના હજારો ઍથ્લીટો ભાગ લે છે. આસામ પોલીસ દળે ખાસ કરીને રિસ્ટ રેસલિંગ (WRIST WRESTLING) હરીફાઈમાં મેડલ મેળવ્યા છે. ચાર પોલીસમાંથી કુન્દરપ્પા બોહરાએ જમણા અને ડાબા, બન્ને હાથની હરીફાઈમાં, અમલજિત બોર્ઠાકુરે જમણા હાથની હરીફાઈમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અમલજિતે ડાબા હાથની હરીફાઈમાં સિલ્વર મેળવ્યો છે. જુનમોની દાસે જમણા અને ડાબા, બન્ને હાથની હરીફાઈમાં સિલ્વર મેળવ્યો છે, જ્યારે લૉવિતા કોચે એક સિલ્વર અને એક ગોલ્ડ હાંસલ કર્યો છે.
આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સર્માએ વિજેતા પોલીસોને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા છે.
રવિવારે પૂરી થનારી આ સ્પર્ધાની વર્તમાન સીઝનમાં ભારત કુલ 373 મેડલ સાથે ત્રીજા સ્થાને છે જેમાં 174 ગોલ્ડ મેડલનો સમાવેશ છે. અમેરિકા 351 ગોલ્ડ સહિત કુલ 811 ચંદ્રક સાથે પ્રથમ નંબરે અને બ્રાઝિલ 164 ગોલ્ડ સહિત કુલ 469 મેડલ સાથે બીજા ક્રમે છે.