ગુજરાતનું ગૌરવઃ ભારતને પહેલી વાર મળી એશિયન વેઈટલિફ્ટિંગની યજમાની

નવી દિલ્હીઃ ભારતને પહેલી વખત એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપની યજમાની કરવાની તક મળી છે. આ ચેમ્પિયનશિપનું આયોજન ગુજરાતમાં કરવામાં આવશે. આ ચેમ્પિયનશિપ 2026માં અમદાવાદ અથવા ગાંધીનગરમાં યોજાશે.
ભારતીય વેઈટલિફ્ટિંગ ફેડરેશનના પ્રમુખ સહદેવ યાદવના જણાવ્યા અનુસાર, તાશ્કંદ (ઉઝબેકિસ્તાન)માં યોજાયેલી એશિયન ચેમ્પિયનશિપ દરમિયાન તેમણે એશિયન વેઈટલિફ્ટિંગ માટે બોલી લગાવી હતી જેને મંજૂરી આપી દેવામાં આવી છે.
તેમણે ગુજરાત સરકારના મુખ્ય સચિવ અશ્વિની કુમાર સમક્ષ ચેમ્પિયનશિપ યોજવાનો પ્રસ્તાવ મુક્યો હતો, જેને સ્વીકારવામાં આવ્યો હતો.
ગુજરાત સરકારે ખાતરી આપી છે કે ચેમ્પિયનશિપનો તમામ ખર્ચ તેઓ ઉઠાવશે. આમાં 50 હજાર યુએસ ડોલર (લગભગ 41 લાખ રૂપિયા)નો બિડિંગ ખર્ચ પણ સામેલ છે. ભારત 2018માં પણ આ ચેમ્પિયનશિપનું આયોજન કરવા જઈ રહ્યું હતું, પરંતુ તેનું આયોજન થઈ શક્યું ન હતું.
અત્યાર સુધી દેશમાં સિનિયર એશિયન વેઈટલિફ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું નથી. સહદેવનું કહેવું છે કે આ ચેમ્પિયનશિપ પછી તે 2027ની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે પણ બોલી લગાવશે. એશિયન ચેમ્પિયનશિપમાં ચીન, ઈન્ડોનેશિયા, ઉત્તર કોરિયા, જાપાન જેવા વેઈટલિફ્ટિંગ પાવરહાઉસ દેશો ભાગ લેશે.