
અબુ ધાબી: ભારતના કરોડો ક્રિકેટપ્રેમીઓ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નવી મોસમ આજથી શરૂ થઈ રહી છે જેમાં આજે ટી-20ના એશિયા કપ (Asia Cup)માં પ્રથમ મૅચ (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન (Afghanistan) અને હોંગ કોંગ (Hong kong) વચ્ચે રમાશે. ચોંકાવી દે એવી એક વાત એ છે કે હોંગ કોંગ 10 વર્ષ પહેલાં અફઘાનિસ્તાન સામે ટી-20 મૅચ જીત્યું હતું. આ વખતના એશિયા કપમાં ભારતની પ્રથમ મૅચ દુબઈમાં આવતી કાલે (ભારતીય સમય અનુસાર રાત્રે 8.00 વાગ્યાથી) યજમાન યુએઈ સામે છે.
આઠ દેશ વચ્ચે મુકાબલા
આઠ દેશ વચ્ચેની આ સ્પર્ધામાં મોટાભાગની મૅચો ભારતીય સમય અનુસાર રાત્રે 8 વાગ્યે શરૂ થશે. ભારતની બીજી મૅચ પાકિસ્તાન સામે રવિવાર, 14મી સપ્ટેમ્બરે (રાત્રે 8.00 વાગ્યા)થી દુબઈમાં રમાશે. ગ્રૂપ ‘ એ’માં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાન છે. ગ્રૂપ ‘ બી’માં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગ કોંગ સામેલ છે.
Eyes set on the target!
— BCCI (@BCCI) September 9, 2025
An energetic fielding drill ft. #TeamIndia fielding coach T Dilip
WATCH #AsiaCup2025
ભારતની મૅચો ક્યારે?
(1) ભારત વિરુદ્ધ યુએઈ, આવતી કાલે, દુબઈમાં, રાત્રે 8.00થી
(2) ભારત વિરુદ્ધ પાકિસ્તાન, રવિવારે, દુબઈમાં, રાત્રે 8.00થી
(3) ભારત વિરુદ્ધ ઓમાન, 19 સપ્ટેમ્બરે, અબુ ધાબીમાં, રાત્રે 8.00થી.
હોંગ કોંગની તમામ 11 મૅચમાં હાર
ઘણાને જાણીને નવાઈ લાગશે કે હોંગ કોંગની ટીમ 21 વર્ષથી એશિયા કપમાં રમે છે. જોકે હોંગ કોંગ તમામ 11 મૅચ હાર્યું છે.
2015માં અફઘાન સામે હોંગ કોંગની જીત
આજે અફઘાનિસ્તાનની ટક્કર હોંગ કોંગ સાથે અબુધાબીમાં છે. આ સ્થળે અફઘાનિસ્તાનનો રેકોર્ડ બહુ સારો છે. અફઘાનની ટીમ અબુધાબીમાં 11 મૅચ જીતી છે અને ફક્ત પાંચ હારી છે. જોકે નવાઈની વાત એ છે કે 2015માં શેખ ઝાયદ સ્ટેડિયમના આ જ ગ્રાઉન્ડ પર હોંગ કોંગે એક ખાસ ઇવેન્ટની મૅચમાં અફઘાનિસ્તાનને આંચકો આપ્યો હતો. અફઘાનિસ્તાને 20 ઓવરમાં છ વિકેટે 162 રન કર્યા હતા. હોંગ કોંગે 19.4 ઓવરમાં છ વિકેટે 166 રન કરીને અફઘાનિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું હતું. તન્વીર અફઝલ નામનો ખેલાડી ત્યારે હોંગ કોંગનો કેપ્ટન હતો અને એ ટીમમાં મૂળ મુંબઈના ગુજરાતી ઓપનર કિંચીત શાહનો પણ સમાવેશ હતો. દસ વર્ષ પહેલાં અફઘાનિસ્તાનની ટીમ નબળી હતી. અસગર અફઘાન ત્યારે કેપ્ટન હતો અને ટીમમાં ગુલબદીન નઇબ તથા મોહમ્મદ શાહઝાદ સહિત બહુ ઓછા જાણીતા ખેલાડીઓ હતા.
હોંગ કોંગમાં ગુજરાતી સહિત ભારતીય મૂળના ત્રણ ખેલાડી
હોંગ કોંગ દેશ ઘણા વર્ષોથી ચીનના તાબામાં છે. હોંગ કોંગમાં ક્રિકેટનો ફેલાવો ધીમી ગતિએ થઈ રહ્યો છે. જોકે એશિયા કપમાં રમવા આવેલી હોંગ કોંગની ટીમમાં ભારતીય મૂળના ત્રણ ખેલાડી (કિંચીત શાહ, અંશુમાન રથ તથા આયુષ શુક્લા) સામેલ છે. યાસીમ મૂર્તઝા હોંગકોંગનો કેપ્ટન છે અને તેની ટીમમાં મોટાભાગના ઈસ્લામી ખેલાડીઓનો સમાવેશ છે. ઓપનર અંશુમાન રથ અને વિકેટકીપર ઝિશાન અલી હોંગ કોંગના ટોચના બેટ્સમેન છે. ટી-20માં તેમનો સ્ટ્રાઈક રેટ 140.00ની આસપાસ રહે છે. હોંગ કોંગનો બાબર હયાત પણ સારો બૅટ્સમૅન છે. તે 95 ટી-20માં 2,200થી વધુ રન કરી ચૂક્યો છે.
રાશીદ ખાનના સુકાનમાં રમનારી અફઘાનિસ્તાનની ટીમના જાણીતા ખેલાડીઓમાં વિકેટકીપર રહમનુલ્લા ગુર્બાઝ, ઇબ્રાહીમ ઝડ્રાન, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નૂર અહમદ અને હઝલહક ફારૂકી જેવા મૅચ વિનર્સ છે.
આપણ વાંચો: ક્રિસ ગેઈલના અનિલ કુંબલે પર મોટા આરોપો, આ કારણે છોડ્યું કોચપદ