એશિયન ગેમ્સઃ ભારતીય હૉકી ટીમની શાનદાર શરૂઆત, ઉઝબેકિસ્તાનને 16-0થી કચડ્યુ
હોંગઝોઉ: ભારતીય પુરૂષ હૉકી ટીમે રવિવારે હોંગઝોઉ એશિયન ગેમ્સમાં પુલ-એ મેચમાં ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું હતું. આ મેચમાં ભારત માટે સાત ખેલાડીઓએ ગોલ કર્યા હતા. જેમાં સંજય, લલિત ઉપાધ્યાય, વરુણ કુમાર, શમશેર સિંહ, સુખજીત સિંહ, અમિત રોહિદાસ, મનદીપ સિંહ અને અભિષેકનો સમાવેશ થાય છે.
વરુણ અને લલિતે ચાર-ચાર ગોલ કર્યા હતા જ્યારે મનદીપે ત્રણ ગોલ કર્યા હતા. બાકીના ખેલાડીઓએ એક-એક ગોલ કર્યો. આ જીત સાથે ભારતે પુલ-એમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. હવે ટીમ ઈન્ડિયા મંગળવારે સિંગાપુર સામે ટકરાશે.
ભારતે પહેલા ક્વાર્ટરમાં 2-0થી સરસાઈ મેળવી લીધી હતી. લલિત (7મી મિનિટ) અને વરુણ (12મી મિનિટ)એ ટીમ ઈન્ડિયાનું ખાતું ખોલાવ્યું હતું. આ પછી ટીમ ઈન્ડિયાએ બીજા ક્વાર્ટરમાં પાંચ ગોલ કર્યા. જેમાં અભિષેક (17મી મિનિટ), મનદીપ (18મી મિનિટ, 27મી મિનિટ, 28મી મિનિટ) અને લલિત (24મી મિનિટ)ના ગોલનો સમાવેશ થાય છે. હાફ ટાઈમ સુધી ભારત 7-0થી આગળ હતું.
ટીમ ઈન્ડિયાએ ત્રીજા ક્વાર્ટરમાં પણ પાંચ ગોલ કર્યા હતા. જેમાં વરુણ (36મી મિનિટ), લલિત (37મી મિનિટ), સુખજીત (42મી મિનિટ) અને શમશેર (43મી મિનિટ)ના ગોલનો સમાવેશ થાય છે. ભારતીય ટીમ ત્રીજા ક્વાર્ટરમાં 12-0થી આગળ હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ ચોથા અને છેલ્લા ક્વાર્ટરમાં ચાર ગોલ કર્યા. આ દરમિયાન વરુણ (50મી, 52મી મિનિટ), લલિત (53મી મિનિટ) અને સંજય (57મી મિનિટ)એ ગોલ કર્યા હતા.
ભારતીય પુરૂષ હોકી ટીમે એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતવાની સાથે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રવેશ કર્યો છે. ભારતીય ટીમ વિશ્વ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે અને એશિયન ગેમ્સમાં સૌથી વધુ ક્રમાંક ધરાવતી ટીમ છે. ભારતીય ટીમ છેલ્લી એશિયન ગેમ્સમાં માત્ર એક બ્રોન્ઝ મેડલ જીતી શકી હતી.