
હાંગઝોઉમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનો ઇતિહાસ રચી રહ્યા છે. ભારતે આજે બેડમિન્ટનમાં ગોલ્ડ જીતીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. સાત્વિક સાંઈરાજ રંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ભારતીય જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
ગોલ્ડ મેડલ મુકાબલામાં ભારતીય જોડીએ કિમ વોંગ અને ચોઈ સોલની કોરિયન જોડીને સીધા સેટમાં 21-18 અને 21-16થી પરાજય આપ્યો હતો. એશિયન ગેમ્સના ઈતિહાસમાં બેડમિન્ટનમાં ભારતનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. આ પહેલા ભારતે બેડમિન્ટનમાં સિંગલ્સ, ડબલ્સ, વ્યક્તિગત કે ટીમ ઈવેન્ટ્સમાં ક્યારેય ગોલ્ડ મેડલ જીત્યો ન હતો.
ભારતીય જોડીએ મેન્સ ડબલ્સમાં ગોલ્ડ જીતવા માટે તમામ પ્રયાસો કરવા પડ્યા હતા. પ્રથમ ગેમમાં એક સમયે સાત્વિક-ચિરાગ કોરિયન જોડીથી પાછળ હતા પરંતુ બંનેએ જોરદાર વાપસી કરીને સ્કોર 13-13ની બરાબરી કરી દીધી હતી. આ પછી ભારતીય જોડીએ પૂરા ઉત્સાહથી ગેમ રમી અને પહેલી ગેમ 21-18થી જીતી લીધી હતી.
સાત્વિક-ચિરાગની જોડીએ અગાઉની બંને મેચોમાં કોરિયન જોડી ચોઈ સોલ-કિમ વોંગને હરાવ્યું હતું. આ વર્ષે મલેશિયા ઓપનમાં ભારતીય જોડીએ કોરિયન જોડીને 21-16 અને 21-13થી પરાજય આપ્યો હતો અને તે પહેલા ફ્રેન્ચ ઓપન 2022માં પણ સેમિફાઇનલમાં 21થી પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ભારતીય જોડીને પ્રથમ ગેમ જીતવામાં માત્ર 29 મિનિટનો સમય લાગ્યો હતો પરંતુ બીજી ગેમમાં દક્ષિણ કોરિયાની જોડીએ ભારતને જોરદાર ટક્કર આપી હતી. પરંતુ ચિરાગ અને સાત્વિક આ મેચ જીતવામાં સફળ રહ્યા હતા. આ મેચ 57 મિનિટ સુધી ચાલી હતી. આ વખતે આ જોડી પાસેથી આશા હતી કે તેઓ ગોલ્ડ મેડલ લાવશે. તેનું કારણ હતું આ બંનેનું આ વર્ષે ઘણું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. વર્ષ 2023માં ચિરાગ અને સાત્વિકે સ્વિસ ઓપન, બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ, ઇન્ડોનેશિયા ઓપન, કોરિયા ઓપનના ટાઇટલ પણ જીત્યા હતા.