Asian games: એશિયન ગેમ્સમાં ભારતના નામે 5 મેડલ, શૂટિંગ અને રોઈંગમાં કમાલનું પ્રદર્શન

Asian games: એશિયન ગેમ્સમાં ભારતના નામે 5 મેડલ, શૂટિંગ અને રોઈંગમાં કમાલનું પ્રદર્શન

23 સપ્ટેમ્બર શનિવારના રોજ એશિયન ગેમ્સ 2023ની સત્તાવાર શરૂઆત થયા બાદ, ભારતીય ખેલાડીઓએ દેશ માટે મેડલ જીતવાના શરુ કરી દીધા છે. એશિયન ગેમ્સમાં પહેલા જ દિવસે ભારતનું ખાતું ખુલી ગયું હતું. શૂટિંગમાં સિલ્વર મેડલ સાથે ભારતે પોતાનો પહેલો મેડલ જીત્યો. રોઈંગમાં ભારતના ખેલાડીઓ સારો દેખાવ કરી રહ્યા છે. રોઈંગમાં ભારતે બે સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આમ ભારતના નામે હજુ સુધી 5 મેડલ થયા છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ બાંગ્લાદેશને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારત માટે ક્રિકેટમાં સિલ્વર મેડલ નિશ્ચિત છે. જોકે, ભારત પ્રથમ ગોલ્ડ મેડલની રાહ જોઈ રહ્યું છે.

ભારતની મહિલા શૂટિંગ ટીમ 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં 1886ના સ્કોર સાથે બીજા ક્રમે રહી હતી. આ ઇવેન્ટમાં ભારત તરફથી રમિતા, મેહુલી ઘોષ અને આશિ ચોકસીએ ભાગ લીધો હતો. જ્યારે ચીનની ટીમ 1896.6ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. આ ઈવેન્ટમાં મંગોલિયાની ટીમ 1880 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે રહી હતી.

ભારતીય રોવરોએ કુલ ત્રણ મેડલ જીત્યા છે આ સાથે ભારતને કુલ પાંચ મેડલ મળ્યા છે. અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહની જોડી પુરૂષોની લાઇટવેઇટ ડબલ્સ સ્કલ્સ ફાઇનલમાં 6:28:18ના સમય સાથે બીજા સ્થાને રહી હતી. આ જ ઈવેન્ટમાં ચીનની ટીમ 6:23:16ના સમય સાથે ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. જ્યારે ઉઝબેકિસ્તાનની ટીમ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળ રહી હતી. જયારે બાબુ લાલ યાદવ અને લેખ રામની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય જોડીએ 6:50:41ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ત્યાર બાદ શૂટર રમિતાએ 10 મીટર એર રાઈફલમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

ભારતીય ટેનિસ ખેલાડી સુમિત નાગલે એશિયન ગેમ્સ 2023માં જીત સાથે શરૂઆત કરી અને રાઉન્ડ ઓફ 16માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું. સુમિતે મકાઉના ખેલાડીને સીધા સેટમાં 6-0, 6-0થી હરાવ્યો હતો.

એશિયન ગેમ્સ 2023માં, ભારતીય પુરૂષ હોકી ટીમે પૂલ-Aમાં ઉઝબેકિસ્તાન સામે એકતરફી મેચ 16-0થી જીતી લીધી છે. આ મેચમાં ભારતીય ટીમનો સંપૂર્ણ દબદબો જોવા મળ્યો હતો. ભારત માટે લલિત યાદવે મેચમાં સૌથી વધુ 4 ગોલ કર્યા હતા. આ સિવાય મનદીપ સિંહ અને વરુણ કુમાર પણ 3-3 ગોલ કરવામાં સફળ રહ્યા હતા.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button