રવિવારે ભારત-પાકિસ્તાન ફાઇનલ કેવી રીતે સંભવ છે, જાણી લો…

દુબઈઃ એશિયા કપ (Asia cup)ના ઇતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં ક્યારેય ફાઇનલ (Final) નથી રમાઈ, પરંતુ આ વખતે રમાશે એની પાકી સંભાવના છે. એક એવું સમીકરણ બની રહ્યું છે જેમાં આ બન્ને કટ્ટર ટીમ ફાઇનલમાં સામસામે આવી શકે.
સુપર-ફોર રાઉન્ડની ચાર ટીમમાં ભારત બુધવાર (આજ)ની બાંગ્લાદેશ સામેની મૅચ પહેલાં બે પૉઇન્ટ ઉપરાંત +0.689ના રનરેટ સાથે મોખરે હતું. આ રાઉન્ડમાં પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશને પણ હરાવીને ભારત ફાઇનલમાં સ્થાન ઑલમોસ્ટ પાકું કરી શકશે અને આ રાઉન્ડની ભારતની છેલ્લી મૅચ શ્રીલંકા સામે રમાશે.
આ પણ વાંચો : ટૉસ વખતે ભારત-પાકિસ્તાનના કૅપ્ટને હાથ મિલાવવાનું ટાળ્યું, એકમેકની સામે પણ ન જોયું
પાકિસ્તાન બે પૉઇન્ટ ઉપરાંત +0.226ના રનરેટ સાથે બીજા સ્થાને છે અને એની હવે આ રાઉન્ડમાં બાંગ્લાદેશ સામે એકમાત્ર મૅચ બાકી છે જે ગુરુવારે રમાશે.
ભારત અને પાકિસ્તાન, બન્ને દેશ જો અનુક્રમે બુધવારે (આજે) અને ગુરુવારે (આવતી કાલે) બાંગ્લાદેશને હરાવશે તો ભારત અને પાકિસ્તાન સૌથી વધુ ચાર-ચાર પૉઇન્ટ સાથે ફાઇનલમાં જશે અને એશિયા કપમાં નવો ઇતિહાસ સર્જાશે. શ્રીલંકા સુપર-ફોરમાં બન્ને મૅચ હારી ગયું હોવાથી ફાઇનલમાં પહોંચવું એના માટે અત્યંત મુશ્કેલ છે.