એશિયા કપ 2025: ભારતની પહેલી મેચ ક્યાં અને ક્યારે રમાશે? આ પ્લેટફોર્મ પર થશે લાઈવ સ્ટ્રીમિંગ

દુબઈ: સપ્ટેમ્બર મહિનો ક્રિકેટ ચાહકો માટે મજેદાર રહેવાનો છે, 9 સપ્ટેમ્બરથી એશિયા કપ T20 ટુર્નામેન્ટની શરૂઆત થઇ રહી છે. UAEમાં રમાનારી આ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ રમશે. ભારતીય ટીમના તમામ ખેલાડીઓ UAE પહોંચી ગયા છે. ટુર્નામેન્ટની તૈયારીઓ માટે ખેલાડીઓ આજથી દુબઈમાં આવેલી ICC એકેડેમી ખાતે પ્રેક્ટીસ સેશનમાં ભાગ લેશે.
ભારતીય ટીમને પૂલ Aમાં રાખવામાં આવી છે, જેમાં ભારત ઉપરાંત UAE, ઓમાન અને પાકિસ્તાનની ટીમો પણ છે. અગામી વર્ષે T20 વર્લ્ડ કપ યોજાવાનો છે, ત્યારે આ ટુર્નામેન્ટ સારું પ્રદર્શન કરીને ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ માટે તૈયારી કરશે.
ભારતીય ટીમની પહેલી મેચ:
એશિયા કપ T20 2025માં ભારતીય ટીમ પહેલી મેચ 10 સપ્ટેમ્બરના રોજ દુબઈના મેદાનમાં UAE ટીમ સામે રમશે. આ મેદાન પર ભારતીય ટીમે અત્યાર સુધી 9 T20I મેચ રમી છે, જેમાં ટીમને 5માં જીત મળી છે, જ્યારે 4 મેચમાં હાર મળી છે.
ટુર્નામેન્ટની મેચ કેટલા વાગ્યે શરુ થશે?
અગાઉ જાહેર કરવામાં આવેલા એશિયા કપ 2025ના શેડ્યૂલ મુજબ દરેક મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે શરૂ થવાની હતી, પરંતુ હાલ UAEમાં પડી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આયોજન સમિતિએ દરેક મેચ અડધો કલાક મોડી શરુ કરવાનો નિર્ણય લીધો છે. હવે ટુર્નામેન્ટમી મેચો ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.
ક્યાં જોવા મળશે મેચ?
ભારતમાં એશિયા કપ 2025 ની મેચોનું લાઈવ ટેલિકાસ્ટ સોની સ્પોર્ટ્સ નેટવર્કની સોની ટેન 1 અને સોની ટેન 3 ચેનલો પર થશે. આ ટુર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ સોની લિવ એપ પર થશે.
આપણ વાંચો: એશિયા કપ હૉકીમાં ભારત હજી અપરાજિત, હવે મલયેશિયાને…