ફાઇનલ મેચમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ મજબૂત છે! આજે ઇતિહાસનું પુનરાવર્તન થશે?

દુબઈ: T20 એશિયા કપ 2025ની ફાઈનલ મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે, આજની મેચ હાઈ-વોલ્ટેજ રહેશે એવી પુરેપુરી શક્યતા છે. આ જ ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ પાકિસ્તાનને બે વાર હરાવી ચુકી છે, ખેલાડીઓના ફોર્મને જોતા પર ભારતીય ટીમ પાકિસ્તાન કરતા બધું મજબુત જણાઈ રહી છે, પરંતુ પાકિસ્તાની ટીમ બાજી પલટાવી શકે છે. ઈતિહાસ પર નજર કરીએ તો પાકિસ્તાની ટીમ મલ્ટી-લેટર ટુર્નામેન્ટના ફાઈનલમાં ભારતીય ટીમ પર ભારે પડી છે.
એશિયા કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પહેલીવાર ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. પરંતુ આ બંને ટીમો અગાઉ 12 વખત કોઈને કોઈ મલ્ટી-લેટરલ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ મેચમાં આમને સામને રમી ચુકી છે. આ 12 મેચમાંથી પાકિસ્તાન 8 વાર જીતી છે, જ્યાર ભારત માત્ર ચાર વખત જીત્યું છે.
પાંચ કે તેથી વધુ ટીમો ધરાવતી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે પાંચ વખત આમને સામને આવી છે, જેમાંથી ત્રણ પાકિસ્તાને જીત મેળવી છે. આમ, ફાઇનલમાં ભારત સામે પાકિસ્તાનનો રેકોર્ડ મજબુત છે.
ભારતે 1985ની વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ ક્રિકેટ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે 1986 અને 1994ના ઓસ્ટ્રલ-એશિયા કપની ફાઈનલ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું. 2007ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું, જ્યારે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને હરાવી હતી.
T20I ક્રિકેટમાં ભારત-પાકિસ્તાન હેડ ટૂ હેડ:
અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે 15 T20I મેચ રમાઈ ચુકી છે, જેમાં ભારતનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ભારતે આ 12 મેચ જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર ત્રણ મેચ જ જીતી શક્યું છે. બંને ટીમો વચ્ચે રમાયેલી છેલ્લી પાંચ T20I મેચમાંથી ભારતે ચાર જીતી છે, જ્યારે પાકિસ્તાન માત્ર એક જ જીતી શકી છે.
આ પણ વાંચો…આજે ભારત-પાક વચ્ચે એશિયા કપ ફાઇનલ: બંને કટ્ટર હરીફ ટીમોમાં છે આ નબળાઈઓ