એશિયા કપ 2025 ની તૈયારીઓ શરૂ, જાણો ક્યારે શરૂ થશે ટૂર્નામેન્ટ, ભારત-પાક.ની મેચ ક્યારે યોજાશે?

નવી દિલ્હીઃ એશિયા કપ 2025ની ચર્ચા ફરી શરૂ થઈ છે, આગામી સપ્ટેમ્બરમાં એશિયા કપનું આયોજન કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ ટૂંક સમયમાં જાહેર થવાની શક્યતા છે, જ્યારે આ ટૂર્નામેન્ટમાં ભારતના ક્રિકેટ ફેન્સને ભારત પાકિસ્તાનની હાઈ-વોલ્ટેજ મેચની તારીખ પર નજર છે. આ વખતે ટી20 ફોર્મેટમાં રમાનારી આ ટૂર્નામેન્ટ યુએઈમાં યોજાશે, જોકે ભારત તેનું યજમાન રહેશે.
ટૂર્નામેન્ટની વિગતો
એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)એ એશિયા કપનું શેડ્યૂલ તૈયાર કરી લીધું છે, જે ટૂંક સમયમાં જાહેર થશે. ટૂર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બરે સુધી ચાલશે. આ 17 દિવસની સ્પર્ધામાં ભારત, પાકિસ્તાન, શ્રી લંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને યુએઈની ટીમો ભાગ લેશે. ભારત-પાકિસ્તાન વચ્ચેનો પ્રથમ લીગ મેચ 7 સપ્ટેમ્બરે રવિવારે રમાડી શકાય છે.
ભારત-પાકિસ્તાન મુકાબલો
ચાહકોની ઉત્સુકતા ભારત-પાકિસ્તાનના મેચ પર કેન્દ્રિત છે. 7 સપ્ટેમ્બરે લીગ સ્ટેજમાં બંને ટીમ ટકરાશે, જ્યારે સુપર 4માં 14 સપ્ટેમ્બરે બીજો મુકાબલો થઈ શકે છે. આ મેચો યુએઈમાં રમાશે, પરંતુ ભારત યજમાન તરીકે રહેશે. ભારત સરકારની મંજૂરી પણ ટૂંક સમયમાં મળી જશે તેવી અપેક્ષા છે.
સ્ટાર ખેલાડીઓની ગેરહાજરી
આ વખતે એશિયા કપ ટી20 ફોર્મેટમાં રમાશે, જેમાં ભારતના વિરાટ કોહલી અને રોહિત શર્મા ભાગ નહીં લે. પાકિસ્તાનના બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને શાહીન આફ્રિદી પણ ટી20 ટીમનો ભાગ ન હોવાથી ટૂર્નામેન્ટથી બહાર રહે તેવી શક્યતા છે.