એશિયા કપ 2023: આ કારણસર પાકિસ્તાનના ક્રિકેટ બોર્ડના અધિકારીઓ ફસાયા
કરાચીઃ પાકિસ્તાન ટીમના મીડિયા મેનેજર ઉમર ફારૂક કલસન અને બોર્ડના જનરલ મેનેજર (આંતરરાષ્ટ્રીય ક્રિકેટ) અદનાન અલી કોલંબોમાં એક કેસિનોની મુલાકાત લીધા બાદ વિવાદમાં આવ્યા છે. બંને હાલમાં એશિયા કપમાં પાકિસ્તાની ટીમ સાથે છે. આવી સ્થિતિમાં સટ્ટો રમવાના સ્થળની તેમની મુલાકાત પર આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એજન્સીની નજર ગઇ હશે.
ઘણા લોકોએ એશિયા કપ દરમિયાન પીસીબીના અધિકારીઓની કોલંબોની સત્તાવાર મુલાકાતની ટીકા કરી હતી. પીસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 15-20 પીસીબીના અધિકારીઓએ કોલંબો અને લાહોર વચ્ચે પ્રવાસ કર્યો હતો, જ્યારે કેટલાક ત્યાં રોકાયા હતા કારણ કે પાકિસ્તાન એશિયા કપનું સત્તાવાર યજમાન હતું.
પાકિસ્તાનના ઘણા ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવ્યા કે પીસીબીના બંને અધિકારીઓ બેદરકાર કેવી રીતે હોઈ શકે. પાકિસ્તાની મીડિયામાં ખળભળાટ મચ્યા બાદ બંને અધિકારીઓએ પોતાના બચાવમાં કહ્યું હતું કે તેઓ કેસિનોમાં માત્ર જમવા ગયા હતા. પરત ફર્યા બાદ બંને સામે શિસ્તભંગની કાર્યવાહી થઈ શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.