સ્પોર્ટસ

500 વિકેટનો પરચો: ખરેખર તો અશ્વિનની સિદ્ધિ બધા બોલરોમાં સૌથી ઝડપી

મુરલી કરતાં ઓછા બૉલમાં અને મૅકગ્રાથી ઓછી ટેસ્ટમાં 500મી વિકેટ લીધી: ભારતીયોમાં અશ્વિન કુંબલેને ઓળંગ્યો

રાજકોટ: 2001માં વેસ્ટ ઇન્ડિઝનો કોર્ટની વૉલ્શ ટેસ્ટ-ક્રિકેટમાં 500મી વિકેટ લેનાર વિશ્ર્વનો પ્રથમ બોલર બન્યો હતો, જ્યારે રવિચન્દ્રન અશ્વિન શુક્રવારે એ સિદ્ધિ મેળવનારો વિશ્ર્વનો નવમો બોલર બન્યો. અશ્વિન ટેસ્ટમાં 500 વિકેટ લેનાર અનિલ કુંબલે પછીનો બીજો ભારતીય બોલર છે. જોકે સૌથી ઓછી ટેસ્ટમાં 500 વિકેટ સુધી પહોંચવામાં તે ભારતીયોમાં હવે પ્રથમ છે, કારણકે અશ્ર્વિન 98મી ટેસ્ટ રમી રહ્યો છે, જ્યારે કુંબલેએ 500મી વિકેટ 105મી ટેસ્ટમાં લીધી હતી.

અશ્વિને શુક્રવારે ત્રીજી ટેસ્ટના પહેલા દાવમાં ઇંગ્લૅન્ડના ઓપનર ઝૅક ક્રૉવ્લીને આઉટ કર્યો એ તેની 500મી વિકેટ હતી. તેના બૉલમાં શૉર્ટ ફાઇન લેગ પર રજત પાટીદારે ક્રૉવ્લીનો કૅચ પકડ્યો હતો. અશ્વિન ત્યારે ક્રૉવ્લીની બેન ડકેટ વચ્ચેની 89 રનની ભાગીદારી તોડી હતી. નવેમ્બર, 2011માં ડેબ્યૂ કરનાર અશ્વિન છેલ્લા એક દાયકાથી ભારતીય બોલિંગ-આક્રમણમાં મુખ્ય બોલર રહ્યો છે. તેણે 13 વર્ષની કરીઅરમાં 34 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ અને આઠ વાર મૅચમાં કુલ 10 કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી છે. 500 કે વધુ ટેસ્ટ વિકેટ લેનારા ઑફ-સ્પિનરોમાં અશ્ર્વિન હવે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન અને ઑસ્ટ્રેલિયાના નૅથન લાયન પછી ત્રીજા સ્થાને છે.

અશ્વિન 98 ટેસ્ટમાં 500 વિકેટ લેવા ઉપરાંત 116 વન-ડેમાં 156 વિકેટ અને 65 ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં 72 વિકેટ પણ લીધી છે.

રેકૉર્ડ-બુક મુજબ ટેસ્ટ-ક્રિકેટમાં અશ્વિન સૌથી ઝડપે (સૌથી ઓછી ટેસ્ટમાં) 500 વિકેટ લેનારા બોલરોમાં મુથૈયા મુરલીધરન પછી બીજા નંબરે અને સૌથી ઓછા બૉલમાં 500 વિકેટની ઉપલબ્ધિ સુધી પહોંચનાર ઑસ્ટ્રેલિયાના ગ્લેન મૅકગ્રા પછી બીજા સ્થાને છે. જોકે વાસ્તવમાં અશ્વિને આ બન્ને દિગ્ગજોને ઓળંગી લીધા કહેવાય અને બન્ને રીતે અવ્વલ કહેવાય.


વાત એવી છે કે મુરલીધરને 87મી ટેસ્ટમાં 500મી વિકેટ લીધી હતી. અશ્વિન 98મી ટેસ્ટમાં 500મો શિકાર કર્યો એટલે નંબર ટૂ કહી શકાય. હવે, મૅકગ્રાની વાત કરીએ. આ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલરે તમામ બોલરોમાં સૌથી ઓછા 25,528 બૉલમાં 500 વિકેટ લીધી હતી. અશ્વિને શુક્રવારે 25,714મા બૉલ પર 500મો શિકાર કર્યોે અને મૅકગ્રા પછી બીજા ક્રમે છે.


હવે બીજી રીતે જોઈએ તો ચેન્નઈના 37 વર્ષની ઉંમરના એન્જિનિયરિંગ ગ્રૅજ્યુએટ અને અવ્વલ કક્ષાના ઑફ-સ્પિનર અશ્વિનની 98 ટેસ્ટની તુલનામાં મૅકગ્રાનો 110 ટેસ્ટનો આંકડો ઘણો ઊંચો છે. એટલે કે અશ્વિને મૅકગ્રા કરતાં 12 ઓછી ટેસ્ટમાં 500 વિકેટ લીધી કહેવાય.

એ જ રીતે, અશ્વિને 25,714 બૉલમાં 500 વિકેટ લીધી એની સરખામણીમાં મુરલી ઘણો પાછળ કહેવાય, કારણકે સૌથી ઓછા બૉલમાં 500 વિકેટ લેનારા ટોચના પાંચ બોલરમાં મુરલીનું નામનિશાન નથી.

સૌથી ઓછી ટેસ્ટમાં 500 વિકેટ લેનાર ટોચના પાંચ બોલરની વિગત આ મુજબ છે: (1) મુરલીધરન, 87 ટેસ્ટમાં (2) અશ્વિન, 98 ટેસ્ટમાં (3) કુંબલે, 105 ટેસ્ટમાં (4) શેન વૉર્ન, 108 ટેસ્ટમાં અને (5) મૅકગ્રા, 110 ટેસ્ટમાં.

સૌથી ઓછા બૉલમાં 500 વિકેટ લેનાર ટોચના પાંચ બોલરની યાદી આ મુજબ છે: (1) મૅકગ્રા 25,528 બૉલમાં (2) અશ્ર્વિન 25,714 બૉલમાં (3) ઍન્ડરસન 28,150 બૉલમાં (4) સ્ટુઅર્ટ બ્રૉડ 28,430 બૉલમાં અને (5) વૉલ્શ 28,833 બૉલમાં.

ટેસ્ટમાં કોની સૌથી વધુ વિકેટ?

બોલર કુલ વિકેટ

મુરલીધરન 800
વૉર્ન 708
ઍન્ડરસન 696
કુંબલે 619
બ્રૉડ 604
મૅકગ્રા 563
વૉલ્શ 519
લાયન 517
અશ્વિન 500
સ્ટેન 439

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…