સ્પોર્ટસ

અશ્વિનના પિતાએ છેલ્લી બે ટેસ્ટની ટિકિટ બુક કરાવી હતી, પણ જ્યારે…

મેલબર્ન/ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિને ગયા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ જાહેર કરી દીધી એનાથી તેના કરોડો ચાહકોની સાથે તેના પરિવારને પણ આંચકો લાગ્યો છે. અશ્વિને ટીમ ઇન્ડિયામાં પણ છેલ્લી ઘડી સુધી પોતાના નિર્ણયનો અણસાર નહોતો આપ્યો. કહેવાય છે કે અશ્વિનના પિતા રવિચન્દ્રને ગુરુવાર, 26મી ડિસેમ્બરે મેલબર્નમાં શરૂ થનારી બોર્ડર-ગાવસકર ટ્રોફીની ચોથી અને પાંચમી ટેસ્ટ માટેની ટિકિટ ખરીદી હતી, પણ તેમના પુત્રએ રિટાયરમેન્ટ લઈ લીધું હોવાથી તેમણે એ ટિકિટ રદ કરાવી દીધી હતી.

રવિચન્દ્રન મેલબર્નમાં પુત્રને રમવાનો મોકો મળશે એવી આશાએ તેમને રમતો જોવા મેલબર્ન પહોંચી જવાના હતા ત્યાં ગયા અઠવાડિયે પુત્ર અશ્વિન પોતે જ નિવૃત્તિ જાહેર કર્યા બાદ બીજા દિવસે ચેન્નઈ પાછો આવી ગયો હતો.

એક જાણીતા અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ અશ્વિન ગયા વર્ષે ભારતમાં બોર્ડર-ગાવસકર ટ્રોફી રમાઈ ત્યારે જ નિવૃત્તિ લઈ લેવાનો હતો, પરંતુ આ સ્પિન-લેજન્ડે વધુ એક મોકો લેવાનું નક્કી કર્યું અને આ વખતની ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ સુધી રાહ જોઈ હતી. પર્થની પ્રથમ ટેસ્ટમાં તેને કે રવીન્દ્ર જાડેજાને નહીં, પણ સ્પિન-ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમવાનો મોકો મળ્યો હતો, જ્યારે ઍડિલેઇડની બીજી ટેસ્ટમાં અશ્વિનને રમવા મળ્યું, પરંતુ તેને 53 રનમાં ફક્ત એક વિકેટ મળી હતી. બ્રિસ્બેનની ત્રીજી ટેસ્ટમાં જાડેજાને ચાન્સ મળ્યો અને અશ્વિનને લાગ્યું કે હવે આ સિરીઝમાં પોતાને વધુ રમવા મળે એમ નથી એટલે તેણે અચાનક (સિરીઝની અધવચ્ચે) નિવૃત્તિ લઈ લીધી.

આ પણ વાંચો: અશ્વિને જ્યારે ચોખ્ખું કહી દીધું, હું સ્ટીવ સ્મિથ સામે બોલિંગ નહીં જ કરું…


અશ્વિનની નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ અશ્વિન ઑસ્ટ્રેલિયા જતાં પહેલાં પોતે જ બેમત હતો. એક ક્ષણ તેણે એ પ્રવાસ પહેલાં જ નિવૃત્તિ જાહેર કરવાનું વિચાર્યું હતું, પણ પછી પોતાને વધુ એક મોકો આપવાનો નિર્ણય લીધો અને સાથીઓ જોડે પ્રવાસમાં જોડાઈ ગયો હતો.

અશ્વિને પર્થ માટેની ફ્લાઇટ પકડી એટલે તેના પરિવારજનોને થયું હતું કે તે આખી સિરીઝ રમશે. તેના પિતા રવિચન્દ્રને ફ્લાઇટની ટિકિટ તેમ જ મેલબર્નની ચોથી ટેસ્ટ તેમ જ નવા વર્ષે (2025ની શરૂઆતમાં) સિડનીમાં રમાનારી પાંચમી ટેસ્ટ જોવા માટે ટિકિટ બુક કરાવી લીધી હતી. જોકે ગયા મંગળવારે અશ્વિને ફોન કરીને પરિવારને જણાવ્યું કે બુધવાર, 18મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેનો છેલ્લો દિવસ કહેવાશે. આ સાંભળીને રવિચન્દ્રને બુધવારે છેલ્લી બન્ને ટેસ્ટની ટિકિટ કૅન્સલ કરાવી હતી.

અશ્વિન ચેન્નઈ પાછો આવ્યો ત્યાર બાદ તેના પિતા રવિચન્દ્રને મીડિયાને કહ્યું હતું કે તેમના પુત્રનો ટીમમાં માનભંગ થતો હશે એટલે જ તેણે ઓચિંતી નિવૃત્તિ લઈ લીધી હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button