સ્પોર્ટસ

અશ્વિન ટેસ્ટમાંથી નીકળી જતાં પહેલાં ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટનને બરાબર સંભળાવતો ગયો!

લેજન્ડરી સ્પિનરે કહ્યું, ‘હું સારું દોડતો હોત તો ઑલિમ્પિક્સમાં હોત, ક્રિકેટ શું કામ રમતો હોત?’

રાજકોટ: શુક્રવારે ઇંગ્લૅન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 500મી ઐતિહાસિક વિકેટ લીધા પછી રાત્રે મોડેથી રવિચન્દ્રન અશ્વિન ફૅમિલીમાં મેડિકલ ઇમરજન્સીના કારણસર આ મૅચમાંથી નીકળીને ચેન્નઈ પાછો જતો રહ્યો અને ભારતીય ટીમ 11માંથી 10 ખેલાડીની થઈ ગઈ એ પહેલાં તેણે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન ઍલસ્ટર કૂક સુધી બરાબર પહોંચી શકે એવો સણસણતો જવાબ પત્રકાર પરિષદમાં આપ્યો હતો.

બન્યું એવું કે શુક્રવારે મૅચના બીજા દિવસે અશ્વિનબૅટિંગમાં હતો એ દરમ્યાન એક તબક્કે પિચ પર વચ્ચે (ડેન્જર એરિયામાં) દોડી આવતાં અમ્પાયર તેના પર ગુસ્સે થયા હતા. આગલા દિવસે રવીન્દ્ર જાડેજાથી પણ પિચ પરના મુખ્ય એરિયામાં દોડાઈ જતાં અમ્પાયર જોએલ વિલ્સન ભારતીય ટીમ પર ખફા હતા જ એવામાં અશ્ર્વિનથી આ ભૂલ થતાં વિલ્સને તેને ઠપકો આપ્યો હતો તેમ જ ભારતને પાંચ રનની પેનલ્ટી થઈ હતી અને ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ 5/0ના સ્કોરથી શરૂ થયો હતો.

અશ્વિનથી આવું અકસ્માતે થઈ ગયું હતું. તે જાણી જોઈને પિચ પર નહોતો દોડ્યો. જોકે ઍલસ્ટર કૂકને લાગ્યું કે અશ્વિન ઇરાદાપૂર્વક પિચ પર દોડ્યો હતો અને હરીફ ખેલાડીઓનો ઉત્સાહ તોડવાની તેની એ તરકીબ હતી. કૂકે કૉમેન્ટરી દરમ્યાન કમેન્ટ કરી હતી કે ‘અશ્વિને શું જાણી જોઈને એવું કર્યું? હા…ઇરાદાપૂર્વક જ કર્યું હતું. પિચની વચ્ચે આ રીતે દોડીને અશ્વિન હરીફ ટીમને ખલેલ પહોંચાડવા માગતો હતો અને પોતાની બોલિંગ દરમ્યાન બને એટલો લાભ થઈ શકે એવી તેની તરકીબ હતી.’

અશ્વિન શુક્રવારે રાત્રે અચાનક જ ટીમ છોડીને ચેન્નઈ પાછો જવા નીકળ્યો એ પહેલાં પત્રકારો સાથેની વાતચીતમાં જ્યારે તેને ઍલસ્ટર કૂકની કમેન્ટથી વાકેફ કરવામાં આવ્યો ત્યારે અશ્વિને કહ્યું, ‘અમ્પાયરોએ ગુરુવારે મૅચના પહેલા દિવસે અમારા કેટલાક બૅટરને ચેતવણી આપી જ હતી. મને એ ઘટનાની જાણ હતી જ. જોકે હું દોડું છું ત્યારે સ્નાયુઓની ખાસ મૂવમેન્ટને લીધે મને દોડવામાં થોડી તકલીફ થાય છે જેને કારણે હું રન દોડતી વખતે પિચની બહાર તરત નહોતો જઈ શક્યો.

જો ઇંગ્લૅન્ડના મીડિયાને કે ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓને લાગતું હોય કે મેં જાણી જોઈને પિચ પરના ડેન્જરસ એરિયામાં દોડવાનું પસંદ કર્યું હતું તો તેમનું એવું માનવું સાવ ખોટું છે. તેઓ એવું માનતા હોય તો ભલે માને. મેં તો અમ્પાયર જોએલ વિલ્સન અને કુમાર ધર્મસેના પાસે જઈને તેમને ખુલાસો કરી દીધો હતો કે શરીરના સ્નાયુઓની નબળી મૂવમેન્ટને લીધે હું બરાબર દોડી નથી શક્તો. હું જો સારું દોડી શકતો હોત તો ઑલિમ્પિક્સમાં હોત, ક્રિકેટમાં શું કામ રમતો હોત?’

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત