
રાજકોટ: ભારતના સ્ટાર ઓફ સ્પિનર આર અશ્વિન ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમ સાથે ફરી જોડાશે, BCCIએ આ અંગે પુષ્ટિ કરી છે. મેચના બીજા દિવસે અંગત કારણોસર અશ્વિનને રમત છોડીને જવું પડ્યું હતું, ત્રીજા દિવસે ભારતીય ટીમ તેના વગર રમી રહી, હવે ચોથા દિવસે અશ્વિન ફરી મેદાન પર જોવા મળશે.
બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા(BCCI)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “પારિવારિક કારણોસર ટૂંકી ગેરહાજરી બાદ આર અશ્વિનની ટીમમાં વાપસીની જાહેરાત કરતા BCCI ખુશી અનુભવે છે. આર અશ્વિન અને ટીમ મેનેજમેન્ટ બંને એ વાતની પુષ્ટિ કરતા આનંદ છે કે તે ચોથા દિવસે ફરી એક્શનમાં જોવા મળશે અને ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ટીમ માટે યોગદાન આપશે. મુશ્કેલ સમયમાં અશ્વિન અને તેનો પરિવાર તેમની પ્રાઈવસીનો આદર કરવા વિનંતી કરે છે.”
અશ્વિને રાજકોટ ટેસ્ટના બીજા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં તેની 500મી વિકેટ લીધી હતી અને બીજા દિવસની રમત બાદ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. રાત્રે 11 વાગ્યે બીસીસીઆઈએ નિવેદન જાહેર કરીને અશ્વિનની ગેરહાજરીના સમાચાર આપ્યા હતા.