સ્પોર્ટસ

અશ્વિનનો પિત્તો ગયો, બે ખેલાડીના નામ લઈને ગંભીર અને આગરકરને નિશાન બનાવતાં કહ્યું…

ચેન્નઈ: ભારતે રાંચીમાં સાઉથ આફ્રિકા સામે સિરીઝની પ્રથમ વન-ડે જીતી જતાં ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં ફરી સકારાત્મક વાતાવરણ ફેલાયું છે અને કરોડો ક્રિકેટ પ્રેમીઓ ફરી આનંદિત મૂડમાં આવ્યા છે, પણ આ જ દેશ સામે ગયા મહિને ટેસ્ટ સિરીઝમાં 0-2થી ભારતની જે નામોશી થઈ હતી એ બદલ હેડ-કોચ ગૌતમ ગંભીર (Gambhir) અને ચીફ સિલેકટર અજિત આગરકર (Agarkar)ની ખૂબ ટીકાઓ થતાં ભૂતપૂર્વ સ્પિનર રવિચંદ્રન અશ્વિને પણ તેમના પર તીર છોડ્યા છે.

હાર્દિકનું પણ અશ્વિને નામ લીધું

પેસ બોલિંગ ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીનું નામ લઈને અશ્વિને (Ashwin) પોતાની યુટયૂબ છેલ્લા પર કહ્યું, ‘ હાર્દિક પંડયાને બદલે નીતીશને વન-ડે સિરીઝ માટેની સ્કવૉડમાં સમાવ્યો તો પછી તેને રાંચીની પ્રથમ વન-ડેમાં કેમ ન રમાડ્યો? નીતીશ જેવા ઑલરાઉન્ડર માટે ટીમમાં જગ્યા ન થઈ શકતી હોય તો પછી ટીમ સિલેક્શનની બાબતમાં કઈંક ગંભીર ગરબડ હોય એવું મને લાગે છે.’

નીતીશના બદલે વૉશિંગ્ટન

સાઉથ આફ્રિકા સામેની પહેલી વન ડેમાં નીતીશને બદલે સ્પિન ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને રમાડવામાં આવ્યો હતો જે 13 રન કરી શક્યો હતો અને પછી તેને 18 રનમાં વિકેટ નહોતી મળી.

ઈશ્વરનની ફટકાબાજી બાદ અશ્વિનની ટકોર

મૂળ ઉત્તર પ્રદેશના બૅટ્સમૅન અભિમન્યુ ઈશ્વરને બે દિવસ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ટી-20માં પંજાબ સામે બેંગાલ વતી રમીને 66 બૉલમાં આઠ સિક્સર અને 13 ફોરની મદદથી અણનમ 130 રન કર્યા એ જોઈને અશ્વિને ‘ ઍશ કી બાત’માં આઈપીએલ પર આધારિત ટીમ સિલેક્શનના ગંભીર અને આગરકરના કથિત અભિગમને નિશાન બનાવતા કહ્યું, ‘ અભિમન્યુ ઈશ્વરને હવે ટી-20ના પર્ફોર્મન્સ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે કે જેથી તેને આવતા વર્ષે ટેસ્ટ મૅચમાં રમવા મળે જ.’

અગાઉ ઈશ્વરન (Eshwaran)ને આગરકરે ઑસ્ટ્રેલિયા તથા ઇંગ્લૅન્ડના પ્રવાસ માટેની ટીમમાં સિલેક્ટ કર્યો હતો, પરંતુ હેડ-કોચ ગૌતમ ગંભીરનો તેમ જ ત્યારના કેપ્ટનો રોહિત, ગિલ તથા બુમરાહના વિશ્વાસ ન જીતી શકતા તેને એ પ્રવાસોમાં નહોતું રમવા મળ્યું.

આપણ વાંચો:  ભારતીય મહિલા હૉકી ટીમના મુખ્ય કોચના પદેથી હરેન્દ્ર સિંહનું રાજીનામું

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button