અશ્વિને રચ્યો ઇતિહાસ, પ્રથમ ભારતીય બોલર તરીકેની આ અનેરી સિદ્ધિ મેળવી
હૈદરાબાદ: ભારતના લેજન્ડરી સ્પિનર અને વિશ્વના શ્રેષ્ઠ સ્પિન બોલરોમાં ગણાતા રવિચન્દ્રન અશ્વિને ગુરુવારે હૈદરાબાદમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા જ દિવસે ભારત માટે નવો ઇતિહાસ રચ્યો હતો. તે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી)માં 150 વિકેટ લેનારો પ્રથમ ભારતીય બોલર બન્યો છે.
અશ્વિને ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 493 વિકેટ લીધી છે. જોકે ડબ્લ્યુટીસીની સિસ્ટમ શરૂ થઈ છે ત્યારથી એમાંં તેની 148 વિકેટ હતી. ઇંગ્લૅન્ડના પહેલા દાવમાં તેણે 68 રનમાં ત્રણ વિકેટ લીધી અને એ સાથે ડબ્લ્યુટીસીમાં તેની વિકેટનો આંકડો 151 ઉપર પહોંચી ગયો છે. ઓપનર બેન ડકેટની વિકેટ અશ્વિનની 149મી, ઝૅક ક્રૉવ્લીની વિકેટ તેની 150મી અને માર્ક વૂડની વિકેટ 151મી વિકેટ હતી.
ડબ્લ્યુટીસીમાં સૌથી વધુ વિકેટ પૅટ કમિન્સના નામે છે. તેના નામે 169 વિકેટ છે. તેના જ દેશના સ્પિનર નૅથન લાયનની પણ 169 વિકેટ છે. અશ્ર્વિનની 151 વિકેટ બાદ મિચલ સ્ટાર્કના નામે 140 અને તાજેતરમાં નિવૃત્ત થયેલા સ્ટુઅર્ટ બ્રૉડના નામે 134 વિકેટ છે.