અશ્વિન આવનારી પેઢીના ખેલાડીઓ માટે પ્રેરણારૂપઃ સચિન તેન્ડુલકર…
શાનદાર કારકિર્દી બદલ સ્પિન-લેજન્ડને કોહલી, ગંભીર, પુજારા સહિત અનેકના પણ અભિનંદન
બ્રિસ્બેનઃ રવિચંદ્રન અશ્વિને અચાનક જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરીને બધાને ચોંકાવી દીધા છે. 38 વર્ષના ઑફ સ્પિનર અશ્વિનને ઑસ્ટ્રેલિયા સામેની વર્તમાન સિરીઝમાં એક જ ટેસ્ટ રમવા મળી જેમાં તેણે 53 રનમાં એક વિકેટ લીધી હતી. અશ્વિનના ઓચિંતા રિટાયરમેન્ટ વિશે કેટલાક ખ્યાતનામ ક્રિકેટરોએ પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એમાં ખાસ કરીને સચિન તેન્ડુલકર, વિરાટ કોહલી, ગૌતમ ગંભીર, હરભજન સિંહ, ચેતેશ્વર પુજારા વગેરેનો સમાવેશ છે.
અશ્વિને ટેસ્ટની 13 વર્ષની શાનદાર કારકિર્દી દરમ્યાન 106 મેચમાં કુલ 27,246 બૉલ ફેંક્યા હતા અને એમાં તેણે 12,891 રનના ખર્ચે કુલ 537 વિકેટ લીધી હતી.
શ્રીલંકાના મુથૈયા મુરલીધરનની જેમ ટેસ્ટમાં 11 વખત મૅન ઑફ ધ સિરીઝના અવોર્ડનો વિશ્વવિક્રમ ધરાવનાર અશ્વિને 37 વખત ટેસ્ટના એક દાવમાં પાંચ કે વધુ વિકેટની સિદ્ધિ મેળવી હતી અને એ રીતે તે ટેસ્ટ વિશ્વમાં મુરલીધરન (67 વખત) પછી બીજા નંબરે છે.
આ પણ વાંચો : Ravichandran Ashwinને નિવૃત્તિની જાહેરાત કરી, કંઇક આવી રહી ક્રિકેટ કારકિર્દી
અશ્વિને ટેસ્ટમાં છ સદી સહિત કુલ 3,503 રન બનાવ્યા હતા. જેમાં 14 હાફ સેન્ચુરી પણ સામેલ હતી અને 124 રન તેનો હાઈએસ્ટ સ્કોર હતો. તેણે ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 23 સિક્સર અને 399 ફોર ફટકારી હતી.
2011ના વન-ડે વર્લ્ડ કપ અને 2013ની ચેમ્પિયન્સ ટ્રોફીના વિજેતા ખેલાડી વિશે સચિન તેન્ડુલકરે એક્સ પર લખ્યું, કૅરમ બૉલના પરફેક્શનથી માંડીને મહત્ત્વના તબક્કે રન બનાવવા સહિત અશ્વિને હંમેશાં ટીમને જીતવા માટેનો માર્ગ શોધી આપ્યો હતો. અજમાયશ કરીને કંઈક નવું અને ઉચ્ચ-સ્તરનું શોધી કાઢીને ઉદાહરણ સ્થાપિત કરવું એ જ ખરી મહાનતા છે.
અશ્વિન, ક્રિકેટમાં તું જે વારસો છોડી રહ્યો છે એ આવનારી પેઢીના દરેક જણ માટે પ્રેરણારૂપ બની રહેશે.’ વિરાટ કોહલીએ અશ્વિન સાથેની 14 વર્ષની મેદાન પરની દોસ્તીની વાત કરતા એક્સ પર લખ્યું,હું 14 વર્ષ તારી સાથે રમ્યો અને આજે જ્યારે તેં મને તારી નિવૃત્તિની વાત કરી ત્યારે હું ભાવુક થઈ ગયો હતો. તરત જ મને તારી સાથેના મેદાન પરના દિવસો યાદ આવી ગયા.’
અશ્વિન સાથે હરભજન સિંહ (ભજજી) વર્ષો સુધી ઘણી મેચોમાં રમ્યો હતો. અશ્વિનના સાથી-સ્પિનર હરભજને પ્રતિક્રિયામાં કહ્યું કે મારા માટે અશ્વિનનો આ શૉકિંગ નિર્ણય છે. તેણે થોડી ઉતાવળ કરી એવું મને લાગે છે. આ સિરીઝમાં મેલબર્ન, સિડનીમાં તેને મોકો મળી શક્યો હોત. જોકે આ તેનો અંગત નિર્ણય છે અને આપણે એનું સન્માન કરવું જોઈએ. તે હજી વધુ બે-ત્રણ વર્ષ રમી શક્યો હોત. તેને શાનદાર કરિયર બદલ અભિનંદન.’ હેડ-કોચ ગૌતમ ગંભીરે કહ્યું હતું કેઆવનારી પેઢીના ખેલાડીઓ માટે અશ્વિનના પર્ફોર્મન્સીઝ અને તેની સિદ્ધિઓ હંમેશાં પ્રેરણારૂપ રહેશે.’
અજ્ક્યિં રહાણેએ અશ્વિનની ભવ્ય કારકિર્દીને ધ્યાનમાં રાખીને કહ્યું, અશ્વિનનો પ્રત્યેક બૉલ વિકેટ-ટેકિંગ બૉલ જેવો લાગતો હતો.’ ચેતેશ્વર પુજારાએ પણ અશ્વિનની શાનદારને બિરદાવવાની સાથે તેના નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. પુજારાએ અશ્વિનને ભવ્ય કરિયર બદલ તેને અને તેના પરિવાર માટે કૉમેન્ટરી બૉક્સમાંથી અભિનંદન પાઠવ્યા હતા. પુજારાના મતે ભારતને મળેલા સ્પિન-લેજન્ડ્સમાં અશ્વિનનો સમાવેશ અચૂક થાય.
બીસીસીઆઇના પ્રમુખ રોજર બિન્નીએ જણાવ્યું હતું કેઅશ્વિનનું કૌશલ્ય વર્ષોથી ભારતીય ક્રિકેટની સફળતાની આધારશિલા બની રહ્યું. ક્રિકેટજગતના ગે્રટેસ્ટ ઑફ-સ્પિનર્સમાં ગણાતા અશ્વિનની સિદ્ધિઓ ભારત માટે ગૌરવપૂર્ણ છે. યુવા ક્રિકેટરો માટે અશ્વિન એક પરફેક્ટ રોલ મૉડેલ છે.’