રોહિત-વિરાટ પછી વન-ડે ક્રિકેટ ખતમ થઈ જશે? અશ્વિને વ્યક્ત કરી મોટી ચિંતા

ચેન્નઈઃ ભૂતપૂર્વ ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનનું માનવું છે કે 2027ના વર્લ્ડ કપ પછી જ્યારે ભારતના સૌથી મોટા સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી અને રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે ત્યારે વન-ડે ફોર્મેટનું અસ્તિત્વ અને સુસંગતતા જોખમમાં મુકાઈ શકે છે. વિજય હઝારે ટ્રોફીમાં વિરાટ અને રોહિતના રમવાને લઈને ખૂબ ચર્ચા રહી પરંતુ અશ્વિનનું માનવું છે કે વધતી જતી ટી-20 લીગ અને ટેસ્ટ ક્રિકેટના અલગ મહત્વના કારણે 50 ઓવરના ફોર્મેટ માટે જગ્યા સતત ઓછી થઈ રહી છે.
અશ્વિને પોતાની હિન્દી યુટ્યુબ ચેનલ ‘એશ કી બાત’માં કહ્યું હતું કે ” 2027ના વર્લ્ડ કપ પછી વન-ડે ક્રિકેટનું ભવિષ્ય શું હશે તેને લઈને હું થોડો ચિંતિત છું. હું વિજય હઝારે ટ્રોફી જોઈ રહ્યો છું, પરંતુ મેં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જોઈ હતી અને તે રીતે આ ટુનામેન્ટને જોવી થોડું મુશ્કેલ લાગે છે.” તેણે કહ્યું હતું કે, “આપણે એ પણ સમજવું પડશે કે પ્રેક્ષકો શું જોવા માંગે છે. મને લાગે છે કે ટેસ્ટ ક્રિકેટ માટે હજુ પણ સ્થાન છે, પરંતુ વન-ડે ક્રિકેટ માટે ખરેખર કોઈ સ્થાન બાકી નથી.” “
આ પણ વાંચો : ગૌતમ ગંભીરને કારણે રોહિત, કોહલી, અશ્વિને વહેલી નિવૃત્તિ લીધી? જાણો, સુનીલ ગાવસકર શું કહે છે
તમામ ફોર્મેટમાં 765 વિકેટ સાથે ભારતના બીજા સૌથી સફળ બોલર અશ્વિન માનવું છે કે વિરાટ અને રોહિતની નિવૃત્તિ પછી વન-ડે ફોર્મેટ વધુ નબળું પડી જશે. બંને ખેલાડીઓએ સંયુક્ત રીતે 86 વન-ડે સદી ફટકારી છે. તેણે કહ્યું હતું કે , ” જ્યારે રોહિત અને વિરાટ વિજય હઝારે ટ્રોફી રમવા આવ્યા ત્યારે લોકોએ તેને જોવાનું શરૂ કર્યું. આપણે જાણીએ છીએ કે રમત હંમેશા ખેલાડીઓ કરતાં મોટી હોય છે પરંતુ ક્યારેક રમતને સુસંગત રાખવા માટે આ ખેલાડીઓ (રોહિત અને વિરાટ) ની વાપસી જરૂરી હોય છે.”
અશ્વિને કહ્યું હતું કે, “વિજય હઝારે ટ્રોફી એક સ્થાનિક વન-ડે ટુર્નામેન્ટ છે જેને ઘણા લોકો જોતા નથી. પરંતુ વિરાટ અને રોહિત રમ્યા હોવાથી લોકો તેને જોવા માટે આવ્યા હતા તો પછી પ્રશ્ન એ છે કે જ્યારે તેઓ વન-ડે રમવાનું બંધ કરશે ત્યારે શું થશે?”
આ પણ વાંચો : બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?
તેણે કહ્યું હતું કે, “વન-ડે ક્રિકેટ એક સમયે એક મહાન ફોર્મેટ હતું જેણે ધોની જેવા ખેલાડીઓ આપ્યા જે 10-15 ઓવર સુધી ઇનિંગ્સ સંભાળતા હતા એક સમયે ફક્ત એક રન લેતા અને પછી અંતે વિસ્ફોટક બેટિંગ કરતા હતા. હવે આવા કોઈ ખેલાડીઓ નથી અને તે પ્રકારની બેટિંગની કોઈ જરૂર નથી. વન-ડે ફોર્મેટ બિનજરૂરી બની ગયું છે અને આઈસીસીએ વર્લ્ડ કપનું આયોજન કરવાની રીત પર ધ્યાન આપવાની જરૂર છે. દર વર્ષે આવક માટે આઈસીસી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ફિફા વર્લ્ડ કપ દર ચાર વર્ષે એકવાર યોજે છે તેથી વર્લ્ડ કપનું પોતાનું મહત્વ છે.”



