
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ જેવી ટીમની અત્યાર સુધીની સફર ઘણી નિરાશાજનક રહી છે, પરંતુ પંજાબ કિંગ્સની ટીમનો એક ખેલાડી 25 વર્ષીય આશુતોષ શર્મા ચોક્કસપણે લોકો પર પોતાની છાપ છોડવામાં અને લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહ્યો છે. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં આશુતોષને IPLમાં ડેબ્યુ કરવાનો મોકો મળ્યો હતો. ત્યારબાદ તેણે અત્યાર સુધીમાં ચાર ઇનિંગ રમી છે અને આઠમા નંબર પર બેટિંગ કરી છે. આ ચાર ઇનિંગમાં આશુતોષે 52 ની એવરેજ થી 156 રન બનાવ્યા છે. ગઈકાલે મુંબઈ ઇન્ડિયન સામેની મેચમાં તેણે 61 ની શાનદાર ગેમ રમી હતી IPLના 17 વર્ષના ઇતિહાસમાં તેણે એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.
IPLના ઇતિહાસમાં આશુતોષ પ્રથમ ભારતીય ખેલાડી છે જેણે આઠમા નંબર પર રમતી વખતે 100થી વધુ રન બનાવ્યા છે. રાશિદખાન પછી IPLમાં આ સિદ્ધિ મેળવનાર આશુતોષ બીજો ખેલાડી છે. રાશિદખાને 2023માં રમાયેલી IPLમાં નંબર 8 અથવા તેની નીચેના સ્થાને બેટિંગ કરીને 100થી વધુ રન બનાવ્યા હતા. આશુતોષે IPLની હાલની સિઝનમાં અત્યાર સુધી ચાર ઇનિંગમાં 205.26 ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા છે જેમાં 9 ચોક્કા અને 13 સિક્સર સામેલ છે. નોંધનીય છે કે IPLની વર્તમાન સીઝન માટે યોજાયેલી ખેલાડીઓની હરાજી દરમિયાન પંજાબ કિંગ્સની ટીમને આશુતોષને 20 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ પર પોતાની ટીમમાં સામેલ કર્યો હતો
આશુતોષ શર્માએ 2023માં રેલવે ટીમ વતી સૈયદ મુસ્તાક અલી ટ્રોફી પણ રમી હતી, જેમાં તેણે 11 બોલમાં અડધી સદી ફટકારીને T-20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો યુવરાજસિંહનો રેકોર્ડ પણ તોડ્યો હતો. આ મેચમાં આશુતોષે 12 બોલમાં 53 ની ઇનિંગ રમી હતી, જેમાં 8 સિક્સર અને એક ફોર હતી. આશુતોષની T-20ની સફર પર નજર કરીએ તો તેણે અત્યાર સુધીમાં 19 મેચમાં ૩૩.૮૨ ની એવરેજ થી 575 રન બનાવ્યા છે જેમાં પાંચ અડધી સદી પણ સામેલ છે તેનો સ્ટ્રાઇક રેટ પણ 200ની આસપાસ છે.