અશ્વિને એક વિકેટ લીધી અને ભારતીય વિક્રમ રચી દીધો, સોબર્સની બરાબરીમાં પણ આવી ગયો
બે દેશ સામે 100 વિકેટ લેનાર એકમાત્ર બોલર પણ બન્યો

રાંચી: વેસ્ટ ઇન્ડિઝના સર ગારફીલ્ડ સોબર્સ લિવિંગ લેજન્ડ છે તો તાજેતરમાં જ 500મી ટેસ્ટ વિકેટ લેનાર રવિચન્દ્રન અશ્વિને ભારતની વર્તમાન ટીમનો સૌથી સફળ બોલર અને દેશના લેજન્ડરી ક્રિકેટરોમાંનો એક છે.
તેણે રાજકોટની ટેસ્ટમાં 500મી વિકેટ લઈને ઘણા નવા રેકૉર્ડ કર્યા અને કેટલાક મહાન બોલરોની બરાબરી પણ કરી. હવે રાંચીની ચોથી ટેસ્ટમાં શુક્રવારના પહેલા જ દિવસે તેણે એક વિકેટ લઈને ભારત વતી નવો વિક્રમ સ્થાપિત કર્યો તેમ જ સોબર્સની બરાબરી પણ કરી લીધી. વાસ્તવમાં અશ્વિન ભારતનો પ્રથમ અને વિશ્વનો એવો ચોથો ટેસ્ટ ઑલરાઉન્ડર છે જેણે ઇંગ્લૅન્ડ સામે 1,000 રન બનાવવા ઉપરાંત 100 વિકેટ પણ લીધી છે.
આ ડબલ સિદ્ધિ અગાઉ એકેય ભારતીય ખેલાડી નહોતો રચી શક્યો. ઇંગ્લૅન્ડ સામે અશ્વિનની શુક્રવારે 100મી વિકેટ હતી અને એની સામે તે 1085 રન બનાવી ચૂક્યો હતો. તેણે જૉની બેરસ્ટૉને એલબીડબ્લ્યૂ કર્યો એ સાથે ઇંગ્લૅન્ડ સામે તેની 100મી વિકેટ લખાઈ ગઈ હતી.
અશ્વિનના પહેલાં વિશ્ર્વના જે માત્ર ત્રણ ઑલરાઉન્ડરોએ ઇંગ્લૅન્ડ સામે 100 વિકેટ અને 1,000 રનની ડબલ સિદ્ધિ મેળવી હતી એમાં વેસ્ટ ઇન્ડિઝના ગૅરી સોબર્સ (102 વિકેટ અને 3,214 રન), ઑસ્ટ્રેલિયાના મૉન્ટી નૉબલ (115 વિકેટ અને 1905 રન) તથા ઑસ્ટ્રેલિયાના જ્યૉર્જ ગિફેન (103 રન અને 1238 રન)નો સમાવેશ છે.
અશ્વિનની આ કુલ 99મી અને ઇંગ્લૅન્ડ સામે 23મી ટેસ્ટ છે. અશ્વિનના નામે અત્યારે કુલ 502 વિકેટ છે.
વર્તમાન બોલરોમાં અશ્વિન ઉપરાંત, માત્ર ઑસ્ટ્રેલિયાનો નૅથન લાયન ઇંગ્લૅન્ડ સામે 100 વિકેટ લઈ શક્યો છે.
અશ્વિને ઇંગ્લૅન્ડ સામે પ્રથમ વિકેટ 2012માં અમદાવાદ ટેસ્ટમાં લીધી હતી. ત્યારે તેણે એ પહેલી બ્રિટિશ વિકેટમાં ઓપનર નિક કૉમ્પ્ટન (9 રન)ને ક્લીન બોલ્ડ કર્યો હતો. કૉમ્પ્ટનની એ ડેબ્યૂ મૅચ હતી.
અશ્વિન વિશ્વનો માત્ર એક બોલર છે જેણે બે દેશ સામે ટેસ્ટ ક્રિકેટમાં 100 વિકેટ લીધી છે. તેણે અગાઉ ઑસ્ટ્રેલિયા સામે પણ 100 વિકેટની સિદ્ધિ મેળવી હતી.