ઍશિઝમાં પહેલો જ દિવસ રેકૉર્ડ-બ્રેકઃ 19 વિકેટ પડી

પર્થઃ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે રમાતી ઍશિઝ (Ashes) ટેસ્ટ સિરીઝના દાયકાઓ જૂના ઇતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું શુક્રવારે પર્થ સ્ટેડિયમમાં બન્યું હતું જેમાં શ્રેણીના પહેલા જ દિવસે 51,531 પ્રેક્ષકોની હાજરીમાં અને કરોડો ટીવી-દર્શકોની નજર સામે વિક્રમજનક કુલ 19 વિકેટ પડી હતી.
ઇંગ્લૅન્ડ (England)ની ટીમ 172 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ ત્યાર બાદ ઑસ્ટ્રેલિયા (Australia)એ 123 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી અને બેન સ્ટૉક્સની બ્રિટિશ ટીમ હજી 49 રનથી આગળ હતી.
Perth Stadium is on another level.
— Mr. Shaz (@Wh_So_Serious) November 21, 2025
The energy is wild, the crowd is booming, and every ball feels bigger than the last.
An atmosphere that turns the Ashes into pure, living theatre.#Ashes2025 pic.twitter.com/aU3ZUzxbYg
આપણ વાચો: 21મી નવેમ્બરથી ઍશિઝ સિરીઝ: ઑસ્ટ્રેલિયાને શરૂઆતથી જ ઝટકા
તમામ 19 વિકેટ પેસ બોલર્સને, સ્ટાર્કની ઍશિઝમાં 100 વિકેટ
ઍશિઝ ટેસ્ટ સિરીઝમાં પહેલા દિવસે 19 વિકેટ પડી હોવાનો આ પહેલો જ કિસ્સો છે. અગાઉનો વિક્રમ 18 વિકેટનો હતો. શ્રેણીના પહેલા દિવસની એ 18 વિકેટનો બનાવ 1888માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા-ઇંગ્લૅન્ડ વચ્ચેની એકમાત્ર ટેસ્ટમાં બન્યો હતો.
ત્યાર બાદ 1896માં લૉર્ડ્સમાં ત્રણ મૅચવાળી શ્રેણીના પ્રારંભિક દિવસે પણ કુલ 18 વિકેટ પડી હતી. શુક્રવારે શ્રેણીના પ્રથમ દિવસની તમામ 19 વિકેટ પેસ બોલર્સે લીધી હતી. ઑસ્ટ્રેલિયાના પેસ બોલર મિચલ સ્ટાર્કે ઍશિઝમાં 100 વિકેટની સિદ્ધિ પૂરી કરી હતી.
આપણ વાચો: ઑસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડના ચીફ ભારત-ઇંગ્લૅન્ડ સિરીઝની ઉગ્રતાથી કેમ બહુ ખુશ છે?
સ્ટાર્કની કરીઅર-બેસ્ટ સાત વિકેટ
શુક્રવારે પાંચ મૅચની સિરીઝની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ઇંગ્લૅન્ડના કૅપ્ટન બેન સ્ટૉક્સે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી, પરંતુ તેનો એ નિર્ણય પહેલી જ ઓવરથી ખોટો સાબિત થવા લાગ્યો હતો. ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક પહેલી ઓવરથી જ ત્રાટક્યો હતો. તેણે છઠ્ઠા બૉલ પર ઝૅક ક્રૉવ્લી (0)ની વિકેટ લીધી હતી.
ત્યાર બાદ ઇનિંગ્સ દરમ્યાન એકંદરે ઑલી પૉપ (46 રન), હૅરી બ્રૂક (બાવન રન) અને વિકેટકીપર જૅમી સ્મિથ (33 રન) કાંગારું બોલર્સનો થોડી સમજદારીથી સામનો કર્યો હતો, પરંતુ સ્ટાર્કનું વર્ચસ્વ નહોતા તોડી શક્યા. સ્ટાર્કે 58 રનમાં સાત વિકેટ લીધી હતી. ટેસ્ટ ક્રિકેટમાં એક દાવમાં મેળવેલી વિકેટની રેકૉર્ડ-બુકમાં તેનો આ બેસ્ટ પર્ફોર્મન્સ હતો.
આ અગાઉ, નવ રનમાં છ વિકેટ (જુલાઈ, 2025માં વેસ્ટ ઇન્ડિઝ સામે) તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. બ્રિટિશરોની બે વિકેટ 31 વર્ષના નવા પેસ બોલર બે્રન્ડન ડૉગિટે અને એક વિકેટ પેસ બોલિંગ-ઑલરાઉન્ડર કૅમેરન ગ્રીને લીધી હતી. સ્કૉટ બૉલેન્ડ અને નૅથન લાયનને વિકેટ નહોતી મળી. ઇંગ્લૅન્ડની ટીમનો દાવ 32.5 ઓવરમાં 172 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો.

સ્ટૉક્સની 23 રનમાં પાંચ વિકેટ
ઇંગ્લૅન્ડની ટીમ 200 રન પણ ન કરી શકી એટલે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ વિચાર્યું હશે કે તેઓ પ્રથમ દાવમાં મોટા સ્કોર સાથે જંગી સરસાઈ મેળવી શકશે. જોકે તેમની હાલત બ્રિટિશરોથી પણ ખરાબ થઈ. તેમણે 123 રનમાં નવ વિકેટ ગુમાવી દીધી હતી. યજમાન ઑસ્ટ્રેલિયાએ ઇનિંગ્સના બીજા બૉલ પર જ વિકેટ ગુમાવી દીધી હતી.
રમતના અંત સુધીમાં 39 ઓવરમાં 123 રનમાં નવ વિકેટ ગુમાવી દેતાં તેઓ પોતે જ મુશ્કેલીમાં આવી ગયા હતા. નવમાંથી પાંચ વિકેટ કૅપ્ટન-પેસ બોલર બેન સ્ટૉક્સે લીધી હતી. પેસ બોલર જોફ્રા આર્ચરે પ્રારંભિક ઓવરના બીજા જ બૉલ પર 31 વર્ષના નવા ઓપનર જેક વેધરાલ્ડ (0)ને એલબીડબ્લ્યૂ કર્યો હતો.
ત્યાર બાદ 14 ઓવર દરમ્યાન કાર્યવાહક કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબુશેને બાજી સંભાળી હતી, પણ લાબુશેન (નવ રન) 15મી ઓવરમાં આર્ચરનો જ શિકાર થયો હતો જેમાં આર્ચરે તેને ક્લીન બોલ્ડ કર્યો હતો.
ત્યાર પછી સ્ટીવ સ્મિથ (17 રન) અને ઉસમાન ખ્વાજા (બે રન)ની વિકેટ પેસ બોલર બ્રાયડન કાર્સે મેળવી હતી, પણ પછીની પાંચેય વિકેટ બેન સ્ટૉક્સે લેતાં ઑસ્ટ્રેલિયાની છાવણીમાં સન્નાટો છવાઈ ગયો હતો. સ્ટૉક્સે ટ્રૅવિસ હેડ (21 રન), કૅમેરન ગ્રીન (24 રન), મિચલ સ્ટાર્ક (12 રન), ઍલેક્સ કૅરી (26 રન) અને સ્કૉટ બૉલેન્ડ (0)ને પૅવિલિયન ભેગા કરી દીધા હતા. ઑસ્ટ્રેલિયાનો એકેય બૅટ્સમૅન 30 રન સુધી પણ નહોતો. ઍલેક્સ કૅરીના 26 રન ટીમમાં હાઇએસ્ટ હતા.



