રૂટની 40મી સેન્ચુરી, પણ ઑસ્ટ્રેલિયામાં પ્રથમ

10મી વિકેટ માટે જોફ્રા આર્ચર સાથે 61 રનની અતૂટ ભાગીદારી કરી
બ્રિસ્બેનઃ ઍશિઝ (Ashes) સિરીઝમાં પર્થની પ્રથમ ટેસ્ટ માત્ર બે દિવસમાં પૂરી થઈ ત્યાર બાદ લગભગ બે અઠવાડિયાના લાંબા બ્રેક બાદ બ્રિસ્બેનના ગૅબામાં ગુરુવારે શરૂ થયેલી પિન્ક બૉલ ડે-નાઇટ ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી)નો પ્રથમ દિવસ પર્થની પહેલી ટેસ્ટના પ્રારંભિક દિવસની 19 વિકેટની માફક ઢગલાબંધ વિકેટોવાળો બની ગયો હોત, પણ ઇંગ્લૅન્ડના પીઢ બૅટ્સમૅન જૉ રૂટે (135 નૉટઆઉટ, 202 બૉલ, એક સિક્સર, પંદર ફોર) પિચ પર એક સાચવી રાખ્યો હતો અને એક પછી એક નાની-મોટી ભાગીદારી કરીને ઑસ્ટ્રેલિયાના બોલર્સને ખૂબ હંફાવ્યા હતા અને ફીલ્ડર્સને દોડાવ્યા હતા. રમતના અંત સુધીમાં ઇંગ્લૅન્ડે નવ વિકેટે 325 રન કર્યા હતા.
જૉ રૂટ 2013ની સાલથી ઑસ્ટ્રેલિયા (Australia)માં રમવા આવે છે, પણ અગાઉ આ દેશમાં 29 દાવમાં નિષ્ફળ રહ્યા બાદ ગુરુવારે છેક 30મી ટેસ્ટ-ઇનિંગ્સમાં તે સદી ફટકારવામાં સફળ થયો હતો. તે ચોથા નંબરે બૅટિંગમાં આવ્યા પછી દિવસના અંત સુધી ક્રીઝમાં અડીખમ હતો. પ્રથમ દિવસની રમતના અંતે ઇંગ્લૅન્ડ (England)નો સ્કોર નવ વિકેટે 325 રન હતો. રૂટ અને જોફ્રા આર્ચર (32 નૉટઆઉટ, 26 બૉલ, બે સિક્સર, એક ફોર) વચ્ચે છેલ્લી વિકેટ માટે 61 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.
આ પણ વાંચો: ભારતીય મૂળનો આ ખેલાડી ટી-20 ફૉર્મેટમાં 600મી વિકેટ લેનાર વિશ્વનો પહેલો બોલર બન્યો
રૂટની પાંચ ભાગીદારી
જૉ રૂટે ઓપનર ઝૅક ક્રૉવ્લી (76 રન) સાથે ત્રીજી વિકેટ માટે 117 રનની, હૅરી બ્રૂક (31 રન) સાથે 54 રનની, બેન સ્ટૉક્સ (19 રન) સાથે 34 રનની, વિલ જૅક્સ (19 રન) સાથે 40 રનની અને જોફ્રા આર્ચર (32 નૉટઆઉટ) સાથે અતૂટ 61 રનની પાર્ટનરશિપ કરી હતી.
સ્ટાર્કની છ વિકેટ
બીજી ટેસ્ટનો પહેલો દિવસ માત્ર ઑસ્ટ્રેલિયાના લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (19-0-71-6)નો જ બની રહે એવી સ્થિતિ હતી, પરંતુ જૉ રૂટે (135 નૉટઆઉટ, 202 બૉલ, એક સિક્સર, પંદર ફોર) 40મી ટેસ્ટ સદી ફટકારીને કટ્ટર હરીફ ટીમને જડબાતોડ જવાબ આપ્યો હતો. ઑસ્ટ્રેલિયા સિરીઝમાં 1-0થી આગળ છે.



