Ashes 2025-26: ટીમની જીત પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને ₹17 કરોડથી વધુનો ફટકો, જાણો કેમ

મેલબોર્ન: ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની એશિઝ સીરિઝ 2025-26ની પહેલી મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, લો સ્કોરિંગ મેચમાં ઓસ્ટ્રેલીયાએ 8 વિકેટે જીત મેળવી. આ મેચ બે દિવસમાં પૂરી થઇ ગઈ હતી, જેને કારણે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે.
એક અહેવાલ મુજબ, મેચ બે દિવસમાં જ સમાપ્ત થઇ જતાં, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ત્રીજા અને ચોથા દિવસ માટે થયેલી ટિકિટનું રિફંડ આપવું પડશે. જેને કારણે બોર્ડને 3 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર (17.35 કરોડ રૂપિયા)થી વધુનું નુકસાન થઇ શકે છે.
નોંધનીય છે કે મેચ જોવા માટે પહેલા બે દિવસમાં 1,01,514 લોકો સ્ટેડિયમમાં ઉમટી પડ્યા હતાં, જેમાં શુક્રવારે 51,531 અને શનિવારે 49,983 લોકો હાજર રહ્યા હતા. ત્રીજા દિવસ માટેની તમામ ટિકીટો વેચાઈ ગઈ હતી.
ટ્રેવિસ હેડની તોફાની ઇનિંગ:
બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલીયાને 205 રનનો ટાર્ગેટ મળ્યો હતો, ઓપનર ટ્રેવિસ હેડે ટેસ્ટ મેચમાં T20ના અંદાજમાં બેટિંગ કરી હતી, તેણે 83 બોલમાં 16 ફોર અને 4 સિક્સર સાથે 123રનની તોફાની ઇનિંગ રમી હતી, જેને કારણે ઓસ્ટ્રેલિયાએ માત્ર 29 ઓવરમાં 205 રન ચેઝ કરી લીધા અને મેચ બીજા દિવસના અંત પહલા જ સમાપ્ત થઇ ગઈ.
ઝડપી સદી ફટકાર્યા બાદ પ્રેઝેન્ટેશન દરમિયાન હેડે ચાહકોની માફી માંગી, તેણે કહ્યું, “જે લોકો કાલે નહીં આવી શકે તેમના માટે હું દિલગીર છું.”
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની રિફંડ પોલિસી અનુસાર, ટેસ્ટ મેચ રદ થયેલા દિવસો માટે ગ્રાહકોને સંપૂર્ણ રિફંડ આપવામાં આવે છે.
એશિઝની બીજી ટેસ્ટ 4થી 8 ડિસેમ્બર દરમિયાન ગાબ્બા તરીકે ઓળખાતા બ્રિસ્બેન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમશે.
આપણ વાંચો: શુભમન-શ્રેયસની ગેરહાજરીમાં આ ખેલાડીને મળશે ODI કેપ્ટનશીપ



