સ્પોર્ટસ

સ્ટાર્કના આક્રમણ સામે ઇંગ્લેન્ડ ધ્વસ્ત; 172 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાની પણ નબળી શરૂઆત

પર્થ: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક એશિઝ સિરીઝની શરૂઆત થઇ ચુકી છે. એશિઝ 2025-26ની પહેલી મેચ પર્થ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સ્ટોક્સની યોજના ઉલટી પડી. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 172 રનમાં જ આઉટ થઇ ગઈ. ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્કે શાનદાર બોલિંગ કરી, તેણે 7 વિકેટ લઇને એશિઝના ઇતિહાસમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે.

ઇંગ્લેન્ડની શરૂઆત ખુબજ નબળી રહી, પહેલી વિકેટ પહેલી જ ઓવરમાં શૂન્ય રનના સ્કોર પર જ પડી ગઈ. મિશેલ સ્ટાર્કે પહેલી ઓવરના છેલ્લા બોલ પર જેક ક્રોલીને આઉટ કર્યો. ત્યાર બાદ સ્ટાર્કે બેઝ બોલ સ્ટાઈલમાં બેટિંગ કરી રહેલા ડકેટને LBW આઉટ કર્યો.

9મી ઓવરમાં સ્ટાર્કનો સૌથી મહત્વની વિકેટ ઝડપી, તેને ઇંગ્લેન્ડના દિગ્ગજ જો રૂટને પવેલિયન મોકલ્યો, રૂટ ખાતું પણ ખોલી શક્યો નહીં.

જો રૂટના આઉટ થયા બાદ ઓલી પોપ અને હેરી બ્રુકે મળીને ઇંગ્લેન્ડની ઇનિંગને સાંભળવાનો પ્રયાસ કર્યો, બંને વચ્ચે 55 રનની પાર્ટનરશીપ થઇ. કેમેરોન ગ્રીને આ પાર્ટનરશીપ તોડીને ઇંગ્લેન્ડને મોટો ઝટકો આપ્યો, ઓલી પોપ 46 રન બનાવીને LBW આઉટ કર્યો.

સ્ટાર્કે મહત્વની સિદ્ધિ મેળવી:

લંચ પછી બાદ મિશેલ સ્ટાર્કે આક્રામક બોલિંગ ચાલુ રાખી, તેણે બેન સ્ટોક્સ અને એટકિન્સનની વિકેટ લઇને પાંચ વિકેટનો હાઉલ પૂરો કર્યો. ડોગેટે હેરી બ્રુકને આઉટ કરીને તેની પ્રથમ ટેસ્ટ વિકેટ લીધી, ત્યાર બાદ તેણે બ્રાયડન કાર્સની પણ વિકેટ લીધી. મિશેલ સ્ટાર્કે જેમી સ્મિથ અને માર્ક વુડને આઉટ કરીને ઇંગ્લેન્ડની પ્રથમ ઇનિંગનો અંત લાવ્યો.

સ્ટાર્કે 12.5 ઓવર ફેંકીને 58 રન આપ્યાને 7 વિકેટ ઝડપી. મિશેલ સ્ટાર્ક એશિઝમાં પોતાની 100 વિકેટ પૂરી કરી છે. મિશેલ સ્ટાર્ક એશિઝમાં 100 વિકેટ લેનારો 21મો બોલર બન્યો છે. સ્ટાર્ક એશિઝમાં 100 વિકેટ લેનારો પ્રથમ લેફ્ટ હેન્ડ બોલર પણ બન્યો.

જોફ્રા આર્ચરે ઈંગ્લેન્ડને શાનદાર શરૂઆત આપાવી, પહેલી જ ઓવરમાં જેક વેધરલ્ડને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો આપ્યો. જેક વેધરલ્ડ તેના ડેબ્યુ મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહીં. આર્ચરે તેને LBW આઉટ કર્યો. પહેલા અમ્પાયરે તેને નોટ આઉટ આપ્યો હતો પછી, ઈંગ્લેન્ડે DRSનો ઉપયોગ કર્યો, થર્ડ અમ્પાયરે જેક વેધરલ્ડને આઉટ જાહેર કર્યો.

આ પણ વાંચો…Ashes 2025: પર્થમાં સ્ટાર્કનો તરખાટ! ટોસ જીતીને બેટિંગ કરી રહેલી ઇંગ્લેન્ડની નબળી શરૂઆત

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button