Ashes 2025-26: મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સસ્તામાં ઓલઆઉટ, ઇંગ્લેન્ડનો પણ ધબડકો

મેલબોર્ન: ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચેની ઐતિહાસિક મહત્વ ધરાવતી એશિઝ સિરીઝની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ રહી છે, જેને બોક્સિંગ ડે ટેસ્ટ તરીકે ઓળખવામાં આવી રહી છે. મેચના પહેલા દિવસે ટોસ હારીને પ્રથામ બેટિંગ કરી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ 152 રનમાં ઓલઆઉટ થઈ થઇ ગઈ, બીજી તરફ ઇંગ્લેન્ડની શરૂઆત પણ ખુબ જ ખરાબ રહી, ઇંગ્લેન્ડે 8 ઓવરમાં 16 રન પર 4 વિકેટ ગુમાવી દીધી.
એશિઝ 2025-26ની ચોથી ટેસ્ટમાં ટોસ ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે જીત્યો અને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ઓસ્ટ્રેલિયાન ટીમના બેટર્સે ખુબ જ સાધારણ બેટિંગ કરી, કોઈ પણ ખેલાડી ક્રિઝ પર લાંબો સમય ટકી શક્યો નહીં, ટીમ 45 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. છેલ્લી ત્રણ વિકેટો તો સ્કોરબોર્ડ પર કોઈ રન ઉમેર્યા વગર જ પડી ગઈ.
ઓસ્ટ્રેલિયન ટીમમાં સૌથી વધુ રન માઈકલ નેસરે(35) બનાવ્યા, જ્યારે ઉસ્માન ખ્વાજાએ 29 અને એલેક્સ કેરીએ 20 રન બનાવ્યા, પાંચ ઓસ્ટ્રેલિયન બેટર્સ બે આંકડા સુધી પણ ન પહોંચી શક્યા
ઇંગ્લેન્ડના જોશ ટોંગ તરફથી આક્રમક બોલિંગ જોવા મળી, તેણે 45 રન આપીને પાંચ વિકેટ લીધી. ગસ એટકિન્સને બે વિકેટ મળી, જ્યારે બ્રાયડન કાર્સ અને કેપ્ટન બેન સ્ટોક્સે એક-એક વિકેટ ખેરવી.
ઇંગ્લેન્ડનો ધબડકો:
ઓસ્ટેલિયનની ટીમ સસ્તામાં ઓલ આઉટ થઇ જતાં ઇંગ્લેન્ડના ચાહકો ખુશ હતાં, પરતું તેમની ખુશી લાંબી ના ટકી શકી. બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ગાડી શરૂઆતમાં જ પાટેથી ઉતરી ગઈ, ટીમે 8 ઓવરમાં માત્ર 16 રન પર 4 મહત્વપૂર્ણ વિકેટો ગુમાવી દીધી. બેન ડકેટ-2, જેકબ બેથેલ-1, જેક ક્રોલી-5 અને જો રૂટ-0 રન પર આઉટ થયો. ઓસ્ટ્રેલિયા મિશેલ સ્ટાર્ક અને માઈકલ નેસરે બે-બે વિકેટ લીધી છે.
ઇંગ્લેન્ડના વ્હાઈટવોશ પર નજર:
નોંધનીય છે કે ઘર આંગણે રમાઈ રહેલી એશિઝ 2025-26ની પ્રથમ ત્રણ ટેસ્ટ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ સિરીઝ પર કબજો મેળવી ચુક્યું છે, હવે ઓસ્ટેલિયનની ટીમ નજર ઇંગ્લેન્ડનો વ્હાઇટવોશ કરવા પર છે અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ચાલુ સાઈકલના પોઈન્ટ ટેબલમાં તેનું સ્થાન મજબુત કરવા પર છે. બીજી તરફ ઇંગ્લેન્ડ પોતાની શાખ બચાવવા માટે બાકીની બે જીતવા પ્રયાસ કરશે.
આ પણ વાંચો…વિજય હઝારે ટ્રોફીમાં વન-ડેના બે બેતાજ બાદશાહ રોહિત-વિરાટની આજે છેલ્લી મૅચ?



