વિરાટ કોહલી વિશે ઓવૈસી વળી શું બોલ્યા?

હૈદરાબાદ: સંસદસભ્ય અને એઆઇએમઆઇએમના નેતા અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) કે જેઓ યુવાનીના દિવસોમાં બહુ સારા ફાસ્ટ બોલર હતા તેમણે તાજેતરમાં જ ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વિરાટ કોહલીને ખૂબ બિરદાવ્યો અને કહ્યું છે કે ભારતમાં ક્રિકેટમાં પુષ્કળ ટેલન્ટ છે. આપણને ભવિષ્યમાં હજી બીજા ઘણા કોહલી મળી શકે એમ છે. ઓવૈસી 56 વર્ષના છે. તેઓ 1990ના દાયકામાં ડોમેસ્ટિક ક્રિકેટ (cricket)માં ઘણું રમ્યા હતા. તેમણે એક મેચમાં ભારતના ભૂતપૂર્વ પેસ બોલર વેન્કટેશ પ્રસાદ કરતાં પણ સારી બોલિંગ કરી હોવાનું પીટીઆઇ (pti)ને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું.
ઓવૈસીએ જૂની યાદ અપાવતા કહ્યું છે કે 1990ના દાયકા દરમ્યાન એક ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધાની ફાઇનલમાં તેમણે 79 રનમાં છ વિકેટ લીધી હતી, જ્યારે હરીફ ટીમ વતી રમતા વેન્કટેશ પ્રસાદને એક પણ વિકેટ નહોતી મળી. જોકે ઓવૈસીવાળી ઓસમાનિયા યુનિવર્સિટીની ટીમનો એ ફાઇનલમાં વેન્કટેશ પ્રસાદવાળી બેંગલૂરુ યુનિવર્સિટીની ટીમનો વિજય થયો હતો અને ચેમ્પિયન બની ગઈ હતી.
ઓવૈસીએ ત્યારે સ્થાનિક દૈનિકોમાં સ્કોર-કાર્ડ સાથે જે અહેવાલ છપાયો હતો એ પીટીઆઇના પત્રકારને બતાવ્યો હતો.
ત્યાર બાદ 1994માં ઓવૈસીનો સાઉથ ઝોન ઇન્ટર-યુનિવર્સિટી અન્ડર-25 સ્પર્ધા માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારે તેઓ વિઝી ટ્રોફી નામની રાષ્ટ્રીય સ્પર્ધામાં રમ્યા હતા. જોકે ત્યાર બાદ તેઓ ભણવા માટે લંડન જતા રહ્યા હતા. જો તેઓ ડોમેસ્ટિક ક્રિકેટમાં વધુ રમ્યા હોત અને સારું પર્ફોર્મ કર્યું હોત તો આબિદ અલી, એમ. એલ. જયસિંહા, મોહમ્મદ અઝહરુદ્દીન, ગુલામ હુસૈન અને વીવીએસ લક્ષ્મણની જેમ હૈદરાબાદમાંથી ભારતીય ટીમમાં આવી શક્યા હોત.
જોકે અઝહરુદ્દીન સાથે સરખામણી થતાં ઓવૈસીએ કહ્યું હતું કે મહેરબાની કરીને તેની સાથે મને ન સરખાવો. ક્રિકેટર તરીકે તેને હું સલામ કરું છું. ઓવૈસીએ મોહમ્મદ સિરાજની પણ ખૂબ પ્રશંસા કરી હતી અને ખાસ કરીને વિરાટ કોહલીની ફરી વાત નીકળતાં ઓવૈસીએ કહ્યું કે અરે, વો જબરદસ્ત પ્લેયર હૈ. આપણે તેની કવર ડ્રાઇવથી હંમેશાં વંચિત રહી જઈશું. બોલરના માથા પરથી બોલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલવાની તેની કળાની તો શું વાત કરવી! અરે, ગ્રેટ પ્લેયર હૈ.
જોકે ઓવૈસીએ એવું પણ જણાવ્યું હતું કે આપણા દેશમાં ક્રિકેટમાં ટેલન્ટ નથી એવું નથી, બીજા ઘણા વિરાટ કોહલી પેદા થઈ શકે એમ છે.