નંબર-વન સબાલેન્કા મહા મહેનતે 104 નંબરની હરીફ સામે જીતી…

લંડનઃ વિમ્બલ્ડન (Wimbledon) ચૅમ્પિયનશિપમાં મંગળવારે ક્વૉર્ટર ફાઇનલમાં મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન બેલારુસની ઍરીના સબાલેન્કા (Sabalenka) પ્રથમ સેટ હાર્યા બાદ અને બીજા બે સેટમાં સંઘર્ષ કર્યા પછી જીતીને સેમિ ફાઇનલમાં પહોંચી હતી. તેણે સ્પર્ધાની મુખ્ય સેન્ટર કોર્ટ પર જર્મનીની લૉરા સિજમુન્ડ (Laura Siegemund)ને 4-6, 6-2, 6-4થી હરાવી હતી.
2024ની પહેલી ઑક્ટોબરથી વર્લ્ડ નંબર-વનના સ્થાન પર ટકી રહેનાર ખુદ સબાલેન્કાએ મંગળવારના વિજય બાદ કહ્યું હતું કે ` લૉરાએ મને ખૂબ સંઘર્ષ કરાવ્યો. પહેલા સેટના પરાજય બાદ મેં મારા બૉક્સ સામે જોયું અને મનોમન મારી ટીમને કહી રહી હતી કે ટિકિટ બુક કરાવી લેજો, બહુ જલદી આપણે આ સુંદર શહેર અને આ દેશ છોડીને પાછા જવાનું છે.’
સબાલેન્કા 2021માં અને 2023માં પણ વિમ્બલ્ડનની સેમિ ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ હારી ગઈ હતી. તે ઑસ્ટ્રેલિયન ઓપનના બે ટાઇટલ અને યુએસ ઓપનનું એક ટાઇટલ જીતી છે, પરંતુ ફ્રેન્ચ ઓપનની જેમ વિમ્બલ્ડનનું એક પણ ટાઇટલ નથી જીતી શકી. સબાલેન્કા આ વર્ષે પહેલી જ વાર સેટ હારી છે.
સબાલેન્કા ગુરુવારની સેમિ ફાઇનલમાં અમેરિકાની આમન્ડા ઍનિસિમોવા સામે રમશે. આમન્ડાએ ક્વૉર્ટરમાં રશિયાની અનાસ્તાસિયા પાવલીચેન્કોવાને 6-1, 7-6 (11-9)થી હરાવી હતી.
પુરુષોની એક સેમિ ફાઇનલ લાઇન-અપ બુધવારે સાંજ સુધીમાં નક્કી થઈ ગઈ હતી જેમાં તાજેતરની ફ્રેન્ચ ઓપનનો ચૅમ્પિયન અને સ્પેનનો વર્લ્ડ નંબર-ટૂ કાર્લોસ અલ્કારાઝ અમેરિકાના ટેલર ફ્રિત્ઝ સામે રમશે. ક્વૉર્ટરમાં અલ્કારાઝે કૅમેરન નૉરીને 6-2, 6-3, 6-3થી હરાવ્યો હતો. ટેલરે ક્વૉર્ટરમાં કરેન ખાચાનૉવને 6-3, 6-4, 1-6, 7-6 (7-4)થી હરાવીને સેમિમાં પ્રવેશ કર્યો હતો.