બન્ને હાથ વિનાની કાશ્મીરની શીતલ દેવીએ તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

બન્ને હાથ વિનાની કાશ્મીરની શીતલ દેવીએ તીરંદાજીમાં રચ્યો ઇતિહાસ

ગ્વાંગજુ (દક્ષિણ કોરિયા): જમ્મુ અને કાશ્મીરની 18 વર્ષની શીતલ દેવી (Sheetal Devi) વિશ્વની એવી પ્રથમ મહિલા ઍથ્લીટ બની છે જેણે તીરંદાજીમાં બન્ને હાથ વગર પૅરા વર્લ્ડ આર્ચરી (Archery) ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે.

શનિવારે અહીં દિવ્યાંગો (Para) માટેની વિશ્વ સ્પર્ધામાં શીતલ દેવીએ ભારતને આ અનેરું ગૌરવ અપાવ્યું હતું. શીતલે કમ્પાઉન્ડ ઇન્ડિવિજ્યૂઅલ કૅટેગરીમાં આ અસાધારણ સિદ્ધિ હાંસલ કરી હતી. પુરુષોના વર્ગમાં ભારતનો તોમન કુમાર પણ પ્રથમ સ્થાને રહીને ટાઇટલ જીત્યો હતો. ફાઇનલમાં યાંત્રિક ક્ષતિને લીધે ભારતનો જ રાકેશ કુમાર સ્પર્ધાની બહાર થઈ જતાં તોમન કુમારને ગોલ્ડ મેડલ વિજેતા જાહેર કરાયો હતો.

શીતલ દેવીએ રસાકસીભરી ફાઇનલમાં તૂર્કીયેની વર્લ્ડ નંબર-વન ઑઝનુર ક્યૂરે ગિર્ડીને 146-143થી હરાવી દીધી હતી. સૌથી અગત્યની વાત એ છે કે તીરંદાજીની આ સ્પર્ધામાં શીતલ દેવી એકમાત્ર એવી ઍથ્લીટ હતી જે બન્ને હાથ ન હોવા છતાં પણ એમાં ભાગ લઈ રહી હતી અને પ્રથમ સ્થાને આવીને ગોલ્ડ મેડલ જીતી ગઈ. તેણે પોતાના પગ અને મોઢાનો ઉપયોગ કરીને ધનુષ બાણમાંથી તીર નિશાના પર છોડ્યા હતા.

આવું અગાઉ એક જ વાર બન્યું હતું જેમાં 2022ની સાલમાં પુરુષોની તીરંદાજીમાં અમેરિકાનો મૅટ સ્ટટ્ઝમૅન બન્ને હાથ વિના દુબઈ વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

દરમ્યાન શીતલ દેવી મિક્સ્ડ ડબલ્સમાં તોમન કુમાર સાથેની જોડીમાં બ્રૉન્ઝ મેડલ અને ટીમ ઇવેન્ટમાં સરિતા સાથેની જોડીમાં સિલ્વર મેડલ જીતી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button