કેએસસીએ ઈન્વિટેશન ટુર્નામેન્ટમાં અર્જુન તેંડુલકરનો શાનદાર દેખાવ, ગોવાને અપાવી જીત

અલુર (કર્ણાટક): ભારતના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરે ડો. (કેપ્ટન) કે થિમપ્પૈયા મેમોરિયલ ટુર્નામેન્ટમાં યજમાન કર્ણાટક સામે નવ વિકેટ ઝડપીને તરખાટ મચાવી દીધો છે.
અર્જુનની શાનદાર બોલિંગની મદદથી ગોવાએ એક ઇનિંગ અને 189 રનથી જીત મેળવી હતી. ડોમેસ્ટિક સીઝન પહેલા આયોજિત આ ઈવેન્ટને કેએસસીએ (કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન) ઈન્વિટેશન ટુર્નામેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આપણ વાંચો: શું પિતાનું નામ કલંકિત કરશે અર્જુન તેંડુલકર! LSGના સિનિયર બેટ્સમેનને બધાની સામે મારવાની ધમકી આપી
નિકિન જોશ અને વિકેટકીપર શરત શ્રીનિવાસ સિવાય કેએસસીએ ઇલેવન ટીમના તમામ ખેલાડીઓ અંડર 19 અને અંડર 23 ટીમના હતા. મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુને આ મેચની બંને ઇનિંગ્સમાં 26.3 ઓવર નાંખી અને 87 રન આપીને નવ વિકેટ ઝડપી હતી.
અર્જુને પ્રથમ દાવમાં 13 ઓવરમાં 41 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી જેના કારણે કર્ણાટકની ટીમ માત્ર 103 રનમાં સમેટાઈ ગઈ હતી. ગોવા સીએ ઇલેવને અભિનવ તેજરાણાની 109 રનની ઇનિંગના આધારે 413 રન કર્યા હતા. કેએસસીએનો બીજો દાવ 30.4 ઓવરમાં 121 રનમાં સમેટાઈ ગયો હતો. દરમિયાન અર્જુને 13.3 ઓવરમાં 46 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી.