આ વર્ષે અર્જુન તેંડુલકર અને સાનિયા ચંદોક કરશે લગ્ન: જાણો ક્યાં યોજાશે ભવ્ય સમારોહ

મુંબઈ: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરના લગ્નજીવનની નવી ઈનિંગ શરૂ થવા જઈ રહી છે. અર્જુન તેની મંગેતર સાનિયા ચંદોક સાથે આ વર્ષે માર્ચ મહિનામાં લગ્નના બંધનમાં બંધાવવા માટે તૈયાર છે. ઓગસ્ટ 2025માં આ કપલે એક ખાનગી સમારોહમાં સગાઈ કરી હતી, જેની માહિતી લાંબા સમય સુધી ગુપ્ત રાખવામાં આવી હતી. હવે આ બંને પરિવારમાં લગ્નની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
અર્જુનની ભાવિ પત્ની સાનિયા ચંદોક એક સફળ ઉદ્યોગસાહસિક છે અને તે પોતે પણ મુંબઈના પ્રતિષ્ઠિત પરિવાર સાથે સંબંધ ધરાવે છે. સાનિયા મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘઈની પૌત્રી છે. તે ઘણા સમયથી તેંડુલકર પરિવારની નજીક છે અને સચિનના પરિવાર સાથે તેને ખૂબ જ સારો સંબંધ છે. અર્જુન અને સાનિયાએ તેમના સંબંધોને હંમેશાં મીડિયાની નજરથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે.
અર્જુનની સગાઈની માહિતી ખૂબ સચિન તેંડુલકરે Reddit પર પોતાના ચાહકોના પ્રશ્નો જવાબ આપતી વખતે આપી હતી. જ્યારે એક ચાહકે અર્જુનની સગાઈ વિશે પૂછ્યું, ત્યારે સચિને ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, “હા, અર્જુનની સગાઈ થઈ ગઈ છે અને અમે તેની જિંદગીના આ નવા પ્રકરણને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ.” સચિનની આ પુષ્ટિ બાદ ચાહકોમાં આનંદની લહેર છવાઈ ગઈ હતી.
રિપોર્ટ્સ મુજબ લગ્નની વિધિઓ 3 માર્ચથી શરૂ થશે અને 5 માર્ચ 2026ના આ જોડી લગ્નના બંધનમાં બંધાશે. આ લગ્ન મુંબઈમાં જ યોજાશે અને તેમાં માત્ર નજીકના સંબંધીઓ અને ક્રિકેટ જગતના ખાસ મહેમાનોને જ આમંત્રિત કરવામાં આવશે. બીજી તરફ, અર્જુન તેંડુલકરની પ્રોફેશનલ લાઈફમાં પણ મોટો ફેરફાર આવ્યો છે. તે આગામી IPL સિઝન માટે મુંબઈ ઈન્ડિયન્સ છોડીને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) સાથે જોડાયો છે. આમ, અર્જુન માટે આ વર્ષ અંગત અને વ્યાવસાયિક બંને રીતે ઘણું ખાસ રહેશે.



