પેરિસ ઓલિમ્પિક બાદ હવે પીવી સિંધુ-લક્ષ્ય સેન આર્કટિક ઓપનમાં રમશે
નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં નિષ્ફળ રહેલા ભારતના સ્ટાર ખેલાડીઓ પીવી સિંધુ અને લક્ષ્ય સેન મંગળવારથી શરૂ થઈ રહેલી આર્કટિક ઓપન સુપર 500 બેડમિન્ટન ટૂર્નામેન્ટમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે વાપસી કરશે. ઓલિમ્પિક બાદ સિંધુ અને સેન માટે આ પ્રથમ ટૂર્નામેન્ટ હશે.
સિંધુએ ઇન્ડોનેશિયાના તેના અગાઉના કોચ અગસ ડ્વી સેન્ટોસો સાથેના સંબંધો તોડી નાખ્યા અને ભારતના અનુપ શ્રીધર અને કોરિયન દિગ્ગજ લી સ્યૂન ઇલને તેના નવા કોચ તરીકે નિયુક્ત કર્યા હતા. બીજી તરફ, સેને તેની ફિટનેસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. દરમિયાન તેણે તેનો મોટાભાગનો સમય ઓસ્ટ્રિયામાં રેડ બુલ એરેનામાં વિતાવ્યો હતો.
આર્કટિક ઓપનમાં સિંધુનો પ્રથમ મુકાબલો કેનેડાની મિશેલ લી સામે થશે જ્યારે ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેચ હારી ગયેલા સેનનો મુકાબલો ડેન્માર્કની રાસમસ ગેમકે સામે થશે. જો બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ પ્રથમ મેચ જીતી લેશે તો તેનો સામનો 2022 જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન 18 વર્ષીય જાપાની ખેલાડી ટોમાકો મિયાઝાકી સામે થઈ શકે છે, જેની સામે તેણી આ વર્ષની શરૂઆતમાં સ્વિસ ઓપનમાં હારી ગઈ હતી.
ઈજાના કારણે ચાર મહિના સુધી મકાઉ ઓપનમાં વાપસી કરનાર કિદામ્બી શ્રીકાંત આર્કટિક ઓપનમાં પણ રમવા ઉતરશે. તે કિરણ જ્યોર્જ અને સતીશ કુમાર કરુણાકરન સાથે ક્વોલિફાયરમાંથી પોતાનું અભિયાન ચાલુ રાખશે.
ક્વોલિફાયર્સમાં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર વન શ્રીકાંતનો સામનો જ્યોર્જ સામે થશે, જ્યારે સતીશનો મુકાબલો ફ્રાન્સના આર્નોડ મર્કલે સામે થશે. સિંધુ ઉપરાંત માલવિકા બંસોડ અને આકર્ષી કશ્યપ પણ મહિલા સિંગલ્સમાં રમવા ઉતરશે. ચાઇના ઓપન સુપર 1000ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલી માલવિકાનો પ્રથમ રાઉન્ડમાં ચાઇનીઝ તાઇપેની ત્સુંગ શુઓ યુન સામે ટકરાશે.