ક્રિકેટ મેચ વખતે પેલેસ્ટીન ફ્લેગ સાથે આવી પડ્યા ઇઝરાયલ-વિરોધી પ્રેક્ષકો
કેપ ટાઉન: જેન્ટલમેન્સ ગેમ’ તરીકે ઓળખાતી ક્રિકેટની રમતને ક્યારેક કલંકિત કરી મૂકતી ઘટના બનતી હોય છે. ક્યારેક કોઈક સ્ટેન્ડમાં બે જૂથના પ્રેક્ષકો મારામારી પર ઉતરી પડતા હોય છે તો ક્યારેક સ્ટ્રીકર નગ્ન કે અર્ધનગ્ન અવસ્થામાં મેદાન પર દોડી આવતો હોય છે. ક્યારેક એવું પણ બને છે કે બહારની દુનિયામાં કોઈક દેશમાં કંઈક અઘટિત બન્યું હોય તો એનો વિરોધ ક્રિકેટના સ્ટેડિયમમાં જોવા મળતો હોય છે.
કેપ ટાઉનમાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શરૂ થયેલી બીજી અને અંતિમ ટેસ્ટના પ્રથમ દિવસે કંઈક એવું જ બન્યું હતું. સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ડેવિડ ટીગરને સાઉથ આફ્રિકાની અન્ડર-૧૯ ટીમના કેપ્ટનપદે જાળવી રાખ્યો એ સામે વિરોધ વ્યક્ત કરવા ૨૦ લોકો પેલેસ્ટીનના ફ્લેપ સાથે કેપ ટાઉનના ન્યુલેન્ડ્સના સ્ટેડિયમમાં આવી ચડ્યા હતા.
વાત એવી છે કે આ મહિને અન્ડર-૧૯ વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં જ રમાવાનો છે એટલે યજમાન દેશની ટીમના કેપ્ટન બાબતમાં વિવાદ ચર્ચાના ચકડોળે ચડ્યો છે. ડેવિડ ટીગરે થોડા દિવસ પહેલાં પોતાને મળેલો એક પુરસ્કાર ઇઝરાયલ દેશને તેમ જ ગાઝા પટ્ટીમાં હમાસ આતંકવાદીઓ સામે લડી રહેલા પ્રત્યેક ઇઝરાયલી સૈનિકને અર્પણ કર્યો હતો. તેનો આ અભિગમ ઘણાની આંખમાં કણાની જેમ ખૂંચ્યો છે અને એમાંના આ વીસેક જણ ક્રિકેટ સ્ટેડિયમમાં આવી પહોંચ્યા હતા અને ડેવિડ ટીગરને કેમ કેપ્ટનપદે રિટેન કર્યો એ સામે વિરોધ કરવા લાગ્યા હતા.
જોકે મેચ પોણો કલાક મોડી શરૂ થઈ હતી અને રમતના આરંભ પહેલાં જ પોલીસે દેખાવકારોને સ્ટેડિયમની બહાર કાઢી મૂક્યા હતા. આ આંદોલનનું વિપરીત પરિણામ પણ આવ્યું હતું, કારણકે થોડા પ્રેક્ષકો રમત શરૂ થયા પછી પણ પેલેસ્ટીન ફ્લેગ સાથે એક સ્ટેન્ડમાં જોવા મળ્યા હતા. હવે તો એવું લાગે છે કે ૧૯ જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં અન્ડર-૧૯ વર્લ્ડ કપ શરૂ થશે ત્યારે પણ ડેવિડ ટીગરની વિરુદ્ધ દેખાવો થયા વિના નહીં રહે.