આઈપીએલના વધુ એક ખેલાડી વિરુદ્ધ બળાત્કારનો મહિલા ક્રિકેટરનો આક્ષેપ, પ્લેયરે સામી એફ.આઇ.આર નોંધાવી

નવી દિલ્હી: 2008ની સાલમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) દેશમાંથી ટૅલેન્ટેડ ખેલાડીઓને શોધી કાઢવાના ઉચ્ચ હેતુથી શરૂ કરવામાં આવી હતી અને 17 વર્ષના એના ઇતિહાસમાં આઈપીએલને એ મિશનમાં સફળતા મળી છે તેમ જ અસંખ્ય ખેલાડીઓ કરોડો રૂપિયા કમાયા છે, પરંતુ જો કોઈ પ્લેયર પૈસાની રેલમછેલમાં છકી જાય અને ખોટા કામો કરી બેસે તો ભારતીય ક્રિકેટની એ કમનસીબી કહેવાય. આરસીબીના ભૂતપૂર્વ ખેલાડી યશ દયાલે સગીર વયની કન્યાને લગ્નનું ખોટું વચન આપીને કથિત રીતે વારંવાર તેની સાથે કુકર્મ કર્યું એ બદલ યશ દયાલ વિરુદ્ધ પોલીસમાં અને અદાલતમાં કેસ ચાલી રહ્યો છે ત્યાં બીજા એક આઈપીએલ ખેલાડી વિરુદ્ધ આવો જ આક્ષેપ થયો છે.
2025ની આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સ વતી કેટલીક ધમાકેદાર ઇનિંગ્સ ચૂકેલા તેમ જ હવે સાઉથ આફ્રિકા-એ સામે ઇન્ડિયા-એ વતી તિલક વર્માની કેપ્ટન્સીમાં બિનસત્તાવાર વન-ડે સિરીઝમાં રમનારા વિપરાજ નિગમે આંધ્ર પ્રદેશમાં રહેતી એક સ્થાનિક મહિલા ક્રિકેટરને લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાનો મહિલાનો આક્ષેપ છે.
આંધ્ર પ્રદેશ સિવાય અન્ય એક રાજ્ય વતી રમતી આ મહિલા ક્રિકેટરનો આક્ષેપ (allegation) છે કે આ વર્ષની શરૂઆતમાં વિપરાજ સાથે ઇન્ટરનેટ મારફત તેની દોસ્તી થઈ હતી અને વિપરાજે આ દોસ્તી મજબૂત બન્યા બાદ તેને પ્રેમની જાળમાં ફસાવી હતી અને પછી એક દિવસ હોટલની રૂમમાં બોલાવીને તેને લગ્નનું વચન આપીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. મહિલાનો એવો પણ આક્ષેપ છે કે જ્યારે તેણે વિપરાજને લગ્ન વિશે પૂછ્યું ત્યારે તેણે તેની મારપીટ કરી હતી.
વિપરાજ વિરુદ્ધની મહિલાની ફરિયાદ નોઈડાના પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. જોકે વિપરાજે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર)માં કહ્યું છે કે આ મહિલા (woman)ના આક્ષેપો તદ્દન ખોટા છે અને એ મહિલા તેને ધમકી આપી રહી છે તેમ જ બ્લૅકમેલ પણ કરી રહી છે.
સ્પિન-ઑલરાઉન્ડર વિપરાજ (Vipraj)નું એવું પણ કહેવું છે કે મહિલા તેની પાસે અઘટિત માગણીઓ કરી રહી હતી અને માગણી પૂરી ન થતાં તેણે હવે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી છે.
આપણ વાંચો: અલ-કાયદાના આતંકીઓ પર NIAની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં દરોડા, બાંગ્લાદેશીઓ રડાર પર



