ભારતને વધુ એક ઝટકો, આઇસીસીએ ફટકાર્યો દંડ
દુબઇ: ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ હારી ગઈ હતી. સેન્ચુરિયનમાં સાઉથ આફ્રિકાની ટીમે એક ઇનિંગ્સ અને ૩૨ રનથી જીત મેળવી હતી. આ હાર બાદ ભારતને વધુ એક આંચકો લાગ્યો છે. આઇસીસીએ સ્લો ઓવર રેટ બદલ ભારતને દંડ ફટકાર્યો છે. સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારતના બે પોઈન્ટ પણ કાપ્યા હતા. ટીમ ઈન્ડિયા પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. તે પાકિસ્તાન અને બંગલાદેશથી પણ પાછળ છે.
સેન્ચુરિયન ટેસ્ટ દરમિયાન ભારત જરૂરી ઓવર રેટ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યું હતું. આઇસીસીએ પેનલ્ટી તરીકે ભારતીય ટીમ પર મેચ ફીના ૧૦ ટકાનો દંડ પણ લગાવ્યો છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ભારત લક્ષ્યાંકથી બે ઓવર પાછળ રહી જતા દંડ ફટકારવામાં આવ્યો છે. ટેસ્ટ હાર બાદ ભારત ૧૬ પોઈન્ટ અને ૪૪.૪૪ પોઈન્ટ ટકાવારી સાથે પાંચમા ક્રમે હતું. બે પોઇન્ટ કપાતા ભારત હવે છઠ્ઠા સ્થાને છે. તેના ખાતામાં ૧૪ પોઈન્ટ અને ૩૮.૮૯ પોઈન્ટ ટકાવારી છે. દક્ષિણ આફ્રિકા પ્રથમ, પાકિસ્તાન બીજા, ન્યૂઝીલેન્ડ ત્રીજા, બંગલાદેશ ચોથા અને ઑસ્ટ્રેલિયા પાંચમા ક્રમે છે.