કોચ પર આવ્યો ગુસ્સો: પાકિસ્તાની બૅટ્સમૅને બૅટ તોડી નાખ્યું | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

કોચ પર આવ્યો ગુસ્સો: પાકિસ્તાની બૅટ્સમૅને બૅટ તોડી નાખ્યું

શારજાહ: ટી-20 ટ્રાયેન્ગ્યુલર સિરીઝમાં પાકિસ્તાન પહેલી બંને મૅચ જીતી ચૂક્યું છે, પરંતુ એના વિકેટકીપર-બૅટ્સમૅન મોહમ્મદ હારિસ (Mohammed Haris)નો ગુસ્સો સાતમા આસમાને છે અને શનિવારે તેણે એ ક્રોધની ઝલક બતાવી દીધી હતી.

વાત એવી છે કે હારિસે ટી-20 ઇન્ટરનેશનલ કરીઅરમાં મોટા ભાગે એકથી ત્રણ નંબર વચ્ચે જ બૅટિંગ કરી છે. શનિવારે યજમાન યુએઈ (UAE) સામેની મૅચમાં તેને નવા કોચ માઈક હેસને છેક સાતમા નંબરે મોકલ્યો હતો અને તે જ્યારે એક રન બનાવીને આઉટ થયો ત્યારે તેણે ગુસ્સામાં બૅટ (BAT) નીચે પછાડ્યું હતું અને તોડી નાખ્યું હતું. તેના ક્રોધનો શિકાર થયેલા બૅટ અને હૅન્ડલ પળવારમાં એકબીજાથી અલગ થઈ ગયા હતા. પોતે આ બહુ ખોટું કર્યું એવું ભાન થતાં હારિસ બૅટ અને હૅન્ડલ ભેગા કરીને પેવિલિયનમાં પાછો આવ્યો હતો.

હારિસનું ફૉર્મ ટીમ માટે ચિંતાજનક

હારિસ થોડા સમયથી બહુ રન નથી કરી શક્યો એટલે હવે નવમી સપ્ટેમ્બરે શરૂ થનારા એશિયા કપ પહેલાં પાકિસ્તાનની ટીમ તેના ફૉર્મ વિશે ચિંતિત છે. 25 મૅચની ટી-20 કારકિર્દીમાં તેની એક સેન્ચુરી છે, પરંતુ એક પણ હાફ સેન્ચુરી નથી.

પાકિસ્તાન કેવી રીતે જીત્યું

14 સપ્ટેમ્બરે એશિયા કપમાં ભારત સાથે ટક્કર લેવાનો મનસૂબો ઘડી રહેલી પાકિસ્તાની ટીમે શનિવારે યએઇ સામે સઈમ અયુબના 69 રન અને હસન નવાઝના 56 રનની મદદથી 20 ઓવરમાં 207 રન કર્યા હતા. યુએઈના જુનૈદ સિદ્દીક અને સગીર ખાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

યુએઈની ટીમ આસિફ ખાનના 77 રન છતાં 20 ઓવરમાં આઠ વિકેટે 176 રન કરી શકી હતી અને પાકિસ્તાનનો 31 રનથી વિજય થયો હતો.

શુક્રવારે શારજાહમાં જ પાકિસ્તાને અફઘાનિસ્તાનને ટ્રાઈ સિરીઝની પ્રથમ મૅચમાં 39 રનથી હરાવ્યું હતું. એમાં પણ મોહમ્મદ હારિસને સાતમા નંબર પર મોકલવામાં આવ્યો હતો અને તે ફક્ત ૧૫ રન કરીને આઉટ થયો હતો.

આપણ વાંચો:  સેન્ટ્રલ ઝોન 678 રનથી અને નોર્થ ઝોન 563 રનથી આગળ

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button