સ્પોર્ટસ

ઍન્ડરસન ટેસ્ટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પહેલો ફાસ્ટ બોલર

ધરમશાલા: ઇંગ્લૅન્ડનો 41 વર્ષની ઉંમરનો જેમ્સ ઍન્ડરસન ટેસટ-ક્રિકેટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો સૌથી પહેલો ફાસ્ટ બોલર અને કુલ ત્રીજો બોલર બન્યો છે. ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ નંબરે અને લેગ-સ્પિનર શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે છે.

ઍન્ડરસનના નામે ઇંગ્લૅન્ડ વતી સૌથી વધુ 187 ટેસ્ટ રમવાનો વિક્રમ તો છે જ અને તે દેશનો સર્વશ્રેષ્ઠ બોલર પણ બન્યો છે. અન્ય બીજા ઘણા વિક્રમો રચીને હવે તેણે 700 વિકેટ લેનારા બોલરોની ક્લબમાં એન્ટ્રી કરીને પોતાની યશકલગીમાં વધુ એક પીછું ઊમેર્યું છે.

ઍન્ડરસને શુક્રવારે શુભમન ગિલના રૂપમાં 699મી અને શનિવારે કુલદીપ યાદવના રૂપમાં 700મી વિકેટ લીધી હતી.
ઇંગ્લૅન્ડ વતી 600 કે વધુ વિકેટ લેનાર માત્ર બે બોલર છે જેમાં ઍન્ડરસન તો ખરો જ, અને બીજા સ્થાને સ્ટુઅર્ટ બ્રૉડ છે જે ગયા વર્ષે રિટાયર થયો હતો. તેણે 604 વિકેટ લીધી હતી.

ઍન્ડરસને 2002માં ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કર્યા પછી 2003માં ટેસ્ટ-કારકિર્દી શરૂ કરી એ અરસામાં સચિન તેન્ડુલકર, રિકી પૉન્ટિંગ અને બ્રાયન લારા જેવા દિગ્ગજો હતા જેમને ઍન્ડરસને પડકાર્યા હતા. ત્યાર પછી વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અને કેન વિલિયમસન જેવા અવ્વલ દરજ્જાના બૅટર પણ ઍન્ડરસનની કાતિલ પેસ બોલિંગનો શિકાર થયા હતા. શનિવારે પૂરી થયેલી સિરીઝમાં ઍન્ડરસને તેના માટે બાળક કહેવાતા યશસ્વી જયસ્વાલ અને શુભમન ગિલ જેવા ભરોસાપાત્ર બૅટરને પડકાર્યા હતા.

આ સિરીઝ માટેની ટીમમાં ઍન્ડરસનને સામેલ કરવાને બદલે તેને ડ્રૉપ કરવાની વાતો થતી હતી ત્યારે ઘણા લોકોના ભવાં ચઢી ગયા હતા. જોકે તેણે ભારત આવીને તેની કાબેલિયત ફરી પુરવાર કરી અને 700 વિકેટના મૅજિક ફિગર સુધી પહોંચીને રહ્યો.

સચિને ઍન્ડરસનની 700 વિકેટની સિદ્ધિ વિશે કહ્યું, ‘700 ટેસ્ટ વિકેટ લેવી એ બહુ જ મોટી સિદ્ધિ કહેવાય. કોઈ ફાસ્ટ બોલર બાવીસ વર્ષ સુધી રમતો રહે અને જબરદસ્ત કન્સિસ્ટન્સી સાથે રમીને 700 વિકેટના આંકડા સુધી પહોંચે એવું અગાઉ કાલ્પનિક જ લાગતું હતું, પરંતુ ઍન્ડરસને એવું હકીકતમાં કરી દેખાડ્યું છે. સિમ્પ્લી મૅગ્નિફિસન્ટ.’

ઍન્ડરસન 187 ટેસ્ટ રમવા ઉપરાંત 194 વન-ડે (269 વિકેટ) અને 19 ટી-20 (18 વિકેટ) પણ રમ્યો છે. 1,000 ઇન્ટરનૅશનલ વિકેટમાં તેને માત્ર 13 શિકાર ખૂટે છે. ઍન્ડરસન 200 ટેસ્ટનો સચિનનો વર્લ્ડ રેકૉર્ડ તોડશે કે કેમ એ હવે જોવું રહ્યું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button