ચેસના બે મહારથી વચ્ચે મુકાબલોઃ વિજેતાને મળશે 62 લાખ રૂપિયા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ચેસના બે મહારથી વચ્ચે મુકાબલોઃ વિજેતાને મળશે 62 લાખ રૂપિયા

સેન્ટ લુઇસ (અમેરિકા): બે ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન અને વીતેલા વર્ષોમાં લાંબા સમય સુધી ચેસ (Chess) જગત પર રાજ કરી ચૂકેલા ખેલાડીઓ વચ્ચે બુધવાર, આઠમી ઑક્ટોબરે અહીં અનોખી ટૂર્નામેન્ટ શરૂ થશે જેમાં ચૅમ્પિયન થનાર પ્લેયરને 70,000 ડૉલર (અંદાજે 62 લાખ રૂપિયા)નું પ્રથમ ઇનામ મળશે, જ્યારે પરાજિત ખેલાડીને 50,000 ડૉલર (44 લાખ રૂપિયા) મળશે.

ભારતના પંચાવન વર્ષીય વિશ્વનાથન આનંદ (Anand) અને રશિયાના 62 વર્ષીય ગૅરી કાસ્પારોવે (Kasparov) એકમેકને વારંવાર ટક્કર આપવાની સાથે ચેસ જગત પર શાસન ચલાવ્યું હતું. કાસ્પારોવ 1985થી 2000ની સાલ સુધી વર્લ્ડ ચૅમ્પિયન હતા અને ત્યાર પછી આનંદનું શાસન શરૂ થયું હતું અને 2013માં નોર્વેના મૅગ્નસ કાર્લસનનું ચેસ વિશ્વમાં ધમાકેદાર આગમન થયું ત્યાં સુધી આનંદે ચેસ વિશ્વ પર રાજ કર્યું હતું.

આપણ વાંચો: ગુજરાતનું ટચૂકડું ગામ ચેસ જગતને અનેક ગ્રેન્ડમાસ્ટર આપવા માગે છે

30 વર્ષે ફરી આમનેસામને

હવે આ જ બે દિગ્ગજો, આનંદ અને કાસ્પારોવ વચ્ચેની ચેસ બોર્ડ પરની હરીફાઈ 30 વર્ષ પછી ફરી જોવા મળશે. તેઓ ક્લચ ચેસઃ ધ લેજન્ડ્સ નામની ટૂર્નામેન્ટમાં આમનેસામને આવશે. કુલ 12 ગેમની આ ટૂર્નામેન્ટમાં કુલ 1,44,000 ડૉલરના ઇનામ અપાશે અને આ સ્પર્ધાની તમામ ગેમ સેન્ટ લુઇસ ચેસ ક્લબમાં રમાશે. ત્રણ દિવસની આ સ્પર્ધામાં પ્રતિદિન ચાર ગેમ રમાશે. જો બન્ને ખેલાડીનો સ્કોર 12 ગેમને અંતે સમાન રહેશે તો બન્નેને 53-53 લાખ રૂપિયાનું ઇનામ મળશે.

છેલ્લે 107મા માળે રમ્યા હતા

વિશ્વનાથન આનંદ અને ગૅરી કાસ્પારોવ છેલ્લે 1995માં ન્યૂ યૉર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર (ડબ્લ્યૂટીસી)ના 107મા માળે આયોજિત ક્લાસિકલ વર્લ્ડ ચૅમ્પિયનશિપની મૅચમાં રમ્યા હતા. હવે તેઓ રૅપિડ તથા બ્લિટ્ઝ ફૉર્મેટમાં રમશે. આ ફૉર્મેટ ફ્રીસ્ટાઇલ ચેસ તરીકે ઓળખાય છે.

આપણ વાંચો: 30મી ઑક્ટોબરથી ચેસનો વર્લ્ડ કપ ભારતના આ રાજ્યમાં યોજાશે…

ઉલ્લેખનીય છે કે 2001ની સાલમાં 110 માળના વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વીન ટાવર પર આતંકવાદી હુમલો થયો હતો. 2001ની 11મી સપ્ટેમ્બરે (9/11) સૌથી પહેલાં ટેરરિસ્ટનું એક આત્મઘાતી વિમાન નૉર્થ ટાવરના 93થી 99 વચ્ચેના માળ સાથે ટકરાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ બીજા હુમલામાં વિમાન સાઉથ ટાવરના 77-85 વચ્ચેના માળ સાથે અથડાવવામાં આવ્યું હતું.

આનંદ હજી પૂર્ણપણે નિવૃત્ત નથી

1995ના વર્ષની ડબ્લ્યૂટીસીની એ ગેમમાં કાસ્પારોવે પ્રભુત્વ જમાવ્યું હતું અને તેઓ 20 ગેમની સ્પર્ધા 10.5-7.5થી જીત્યા હતા. ત્યાર પછી કાસ્પારોવ 2004માં સંપૂર્ણપણે રિટાયર થઈ ગયા હતા, જ્યારે આનંદ આંશિક રીતે નિવૃત્ત થયા છે અને તેઓ અમુક ઉચ્ચ-સ્તરિય સ્પર્ધાઓમાં રમે છે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button