લારા કહે છે, એક ભારતીય બૅટર 400 રનનો મારો વર્લ્ડ રેકૉર્ડ તોડી શકે એમ છે: જાણો કોણ છે એ ખેલાડી
નવી દિલ્હી: ભારતીય યુવાન ઓપનર અને આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી રમતો યશસ્વી જયસ્વાલ હજી માંડ નવ ટેસ્ટ-મૅચ રમ્યો છે ત્યાં તો કૅરિબિયન ક્રિકેટ-લેજન્ડ તેને સર્વોત્તમ વિક્રમ સુધી પહોંચાડી રહ્યો છે.
બ્રાયન લારાને એવું લાગે છે કે ટેસ્ટ-ક્રિકેટમાં તેનો અણનમ 400 રનનો જે વિશ્ર્વવિક્રમ છે એ લેફ્ટ-હૅન્ડર યશસ્વીના હાથે તૂટી શકે એમ છે.
લારાને અત્યારે એવું લાગે છે કે યશસ્વી એકમાત્ર એવો બૅટર છે જે તેનો આ 20 વર્ષ જૂનો વર્લ્ડ રેકૉર્ડ તોડી શકે એમ છે.
જુલાઈ, 2023માં યશસ્વીએ ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું અને તેણે પહેલી જ ટેસ્ટ-ઇનિંગ્સમાં સેન્ચુરી (171 રન) ફટકારી હતી. રૉસોઉમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની એ ટેસ્ટમાં તેણે 501 મિનિટ સુધી ક્રીઝમાં રહીને 387 બૉલનો સામનો કર્યો હતો અને એક સિક્સર તથા સોળ ફોરની મદદથી 171 રન બનાવ્યા હતા.
ભારતે એ ટેસ્ટ એક દાવ અને 141 રનથી જીતી લીધી હતી. યશસ્વીએ ત્યારે 103 રન બનાવનાર કૅપ્ટન રોહિત શર્મા સાથે 229 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.
યશસ્વી નવ ટેસ્ટમાં ત્રણ સેન્ચુરી અને ચાર હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. 68.53 તેની બૅટિંગ-ઍવરેજ છે.
લેફ્ટ-હૅન્ડ બૅટર લારા 1990થી 2006 સુધીમાં 131 ટેસ્ટ રમ્યો હતો. તેની પ્રથમ સેન્ચુરી ડબલ સેન્ચુરી (277)ના રૂપમાં હતી જે તેણે સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ફટકારી હતી.
આપણ વાંચો: 54 વર્ષનો લારા હજીયે સ્ટાર્ક, કમિન્સ, હૅઝલવૂડના 90 માઇલની સ્પીડના બૉલને રમી શકે છે!
યશસ્વીના લારા અમસ્તો જ વખાણ નથી કરી રહ્યો. ગયા વર્ષે આઇપીએલ દરમ્યાન લારા સનરાઇઝર્સ હૈદરાબાદને કોચિંગ આપી રહ્યો હતો ત્યારે એક કૅમ્પમાં રાજસ્થાન રૉયલ્સનો ઓપનર યશસ્વી તેને મળ્યો હતો. ‘પરોઢિયે ચાર વાગ્યા સુધીની ચર્ચા’ તેમની એ મુલાકાતની બાબતમાં ખૂબ ચર્ચામાં રહી છે. ત્યારે લારાને યશસ્વી પાસેથી તેની ટૅલન્ટ વિશે ઘણું જાણવા મળ્યું હતું અને યશસ્વીને લારા પાસેથી ઘણી ટિપ્સ મળી હતી.
એ વખતે યશસ્વી હજી પહેલી ટેસ્ટ પણ નહોતો રમ્યો, પણ હવે ભારતીય ટીમનો મહત્ત્વનો ઓપનર બની ગયો છે અને આગામી ટી-20 માટેની ટીમમાં પણ તેને બીજા ઘણા હરીફોની વચ્ચે મોકો મળી ગયો છે.
પંચાવન વર્ષના લારાએ પીટીઆઇને મુલાકાતમાં કહ્યું, ‘મારો 400 નૉટઆઉટનો વર્લ્ડ રેકૉર્ડ જો કોઈ તોડી શકે એમ હોય તો એ છે યશસ્વી જયસ્વાલ. તેનામાં એ ક્ષમતા અને કાબેલિયત મને દેખાય છે. તે કરીઅરની શરૂઆતમાં જ ત્રણ સદી ફટકારી ચૂક્યો છે. ગયા વર્ષે મને તે મળ્યો ત્યારે અમારી વચ્ચે જે વાતો થઈ એમાંની એક જ બાબત હું કહીશ. તે ખૂબ જ વિનમ્ર સ્વભાવનો છે અને મહેનત કરવા તત્પર હોય એવું મને લાગ્યું.
મને તેનામાં મારું પ્રતિબિંબ દેખાયું હતું. મોટા રેકૉર્ડ ઝડપથી રન બનાવી શકતા બૅટર દ્વારા તૂટતા હોય છે અને યશસ્વીમાં એ કાબેલિયત છે. મારા એ રેકૉર્ડ વિશે મેં રાહુલ દ્રવિડ કે સ્ટીવ સ્મિથનું નામ ક્યારેય નથી લીધું. જોકે જે બૅટર ઝડપથી રન બનાવી શકે એના માટે એ વિક્રમ તોડવો શક્ય છે અને યશસ્વીમાં મને એ ક્ષમતા દેખાય છે. ડેવિડ વૉર્નર (335*) મારા વિક્રમની નજીક પહોંચી શકશે એવું મને એક તબક્કે લાગ્યું હતું.’
લારાએ ગયા વર્ષની યશસ્વી સાથેની મુલાકાત વિશે કહ્યું, ‘એ દિવસે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મૅચ બાદ હું એક કૅરિબિયન ફ્રેન્ડ સાથે હોટેલ પર પહોંચ્યો હતો. મારો એ મિત્ર રાજસ્થાનના બ્રિટિશ ઓપનર જૉસ બટલરને ઓળખતો હતો. ત્યારે રાત્રે બાર વાગી ગયા હતા અને યશસ્વી મારી પાસે આવ્યો અને મને મળવા કેટલો બધો આતુર હતો એ વિશે તેણે કહ્યું. અમે ઘણી વાતો કરી હતી અને એમાંને એમાં પરોઢિયે ચાર વાગી ગયા હતા.
તે મારી પાસેથી વધુને વધુ સાંભળવા માગતો હતો. કંઈક નવું શીખવું એ તેનામાં મને સૌથી મોટી ખાસિયત લાગી. તે કેવી રીતે વધુને વધુ સારો ક્રિકેટર બની શકે એ પ્રકારની જ વાતો મેં તેની સાથે કરી હતી. મારો ફોન નંબર જેની પાસે પણ છે તેની સાથે વાતચીત કરવા હું હંમેશાં ઉપલબ્ધ હોઉં છું. મને ક્રિકેટની વાતો કરવી બહુ ગમે છે.’
લારા પોતે લેફ્ટ-હૅન્ડર હતો એટલે તે લેફ્ટ-હૅન્ડરની તરફેણ વધુ કરે એ સ્વાભાવિક છે. લારા હૈદરાબાદના લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક વર્માથી પણ ખૂબ પ્રભાવિત છે. લારા હૈદરાબાદની ટીમનો બે વર્ષ સુધી કોચ હતો ત્યારે તે અભિષેકને મળ્યો હતો. ગયા વર્ષની એ મુલાકાત વિશે લારાએ કહ્યું, ‘મને લેફ્ટ-હૅન્ડ બૅટર વધુ ગમતા હોય છે. અભિષેક સાથે મારી મિત્રતા નજીકની થઈ ગઈ છે. આ બધા (ભારતીય) યુવાન ખેલાડીઓ ખૂબ વિનમ્ર સ્વભાવવાળા છે અને નવું શીખવા માટે હંમેશાં ઉત્સુક રહેતા હોય છે.’
લારાએ ભૂતપૂર્વ બૅટર્સનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘છેલ્લા દોઢ-બે દાયકા દરમ્યાન ઘણા બૅટર્સે 300-પ્લસના આંકડાને પડકાર્યો હતો. ક્રિસ ગેઇલ, વીરેન્દર સેહવાગ, સનથ જયસૂર્યા, ઇન્ઝમામ-ઉલ-હક, મૅથ્યૂ હેડન. આ બધા ભલભલા બોલિંગ-આક્રમણનો નાશ કરી ચૂક્યા છે.’
લારાએ ફરી પોતાના અણનમ 400 રનના વિશ્ર્વવિક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું, ‘આ વર્લ્ડ રેકૉર્ડ ક્યારેક તો તૂટવાનો જ છે. જેના ભાગ્યમાં લખાયું હશે એ તોડીને જ રહેશે. રેકૉર્ડ તો તૂટતા રહે. હું એ તૂટવાની રાહ જોઉં છું. આશા રાખું છું કે મારી હયાતીમાં મારો આ વિક્રમ તૂટે.’