વચગાળાના બજેટમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને વધુ 45 કરોડ રૂપિયાની ફાળવણી
નવી દિલ્હી: નરેન્દ્ર મોદી સરકારે 2014માં સત્તા પર આવ્યા પછી સતતપણે દેશમાં ખેલકૂદ ક્ષેત્રના વિકાસ માટે તેમ જ ખેલાડીઓ તથા ઍથ્લીટોને પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. વચગાળાના કેન્દ્રીય અંદાજપત્રમાં સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીને કુલ 3,442.32 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષની તુલનામાં આ આંકડો 45.36 કરોડ રૂપિયા વધુ છે.
ગયા વર્ષના બજેટમાં ખેલકૂદ મંત્રાલયને 3,396.96 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી હતી.
આ વર્ષે જુલાઈ-ઑગસ્ટમાં પૅરિસમાં ઑલિમ્પિક ગેમ્સ યોજાવાની છે અને એને કેન્દ્ર સરકારે ખાસ ધ્યાનમાં રાખીને વધુ રકમની ફાળવણી કરી છે.
કેન્દ્ર સરકારના ‘ખેલો ઇન્ડિયા’ નામના મુખ્ય સ્પોર્ટ્સ પ્રોગ્રામ માટે 900 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે જે અગાઉના બજેટની સરખામણીમાં 20 કરોડ રૂપિયા વધુ છે.
સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એસએઆઇ) વર્ષ દરમ્યાન નૅશનલ કૅમ્પના આયોજનો કરતી હોય છે. આ સંસ્થા ઍથ્લીટોને માળખાકીય સગવડો તેમ જ ઇક્વિપમેન્ટ્સ પૂરા પાડે છે તેમ જ કોચની નિયુક્તિઓ પણ કરે છે. આ સંસ્થાને વચગાળાના બજેટમાં ગયા વર્ષ કરતાં 26.83 કરોડ રૂપિયા વધુ ફાળવવામાં આવ્યા છે. ગયા વર્ષે એસએઆઇને 796 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.