સ્પોર્ટસ

મિચલ સ્ટાર્કને હમણાં નિવૃત્તિ નથી લેવી, પણ પત્ની અલીઝા હિલીએ જાહેર કરી દીધી

આઠ વર્લ્ડ કપ જીતનાર ઇયાન હિલીની ભત્રીજીએ કેમ વિશ્વ કપ પહેલાં જ રિટાયરમેન્ટ લઈ લીધું એનું કારણ પ્રેરક છે

સિડનીઃ 35 વર્ષની વિકેટકીપર-બૅટર અલીઝા હિલી (Alyssa Healy)એ માર્ચમાં ઘરઆંગણે ભારત સામેની સિરીઝ રમ્યા પછી નિવૃત્ત થઈ જવાની જાહેરાત કરી દીધી એને પગલે તેના અંગત જીવનને તેમ જ કરીઅરની સ્પર્શતી કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા મળી છે. ઑસ્ટ્રેલિયાનો ટોચનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક હજી પૂર્ણપણે રિટાયર થવાના મૂડમાં નથી, પરંતુ તેની પત્ની અલીઝા હિલી હવે પોતાનામાં રહેલી સ્પર્ધાત્મક ક્ષમતા ઘટી ગઈ હોવાથી વધુ રમવા નથી માગતી. તે ઑસ્ટ્રેલિયાએ જીતેલી આઠ વર્લ્ડ કપની ટ્રોફીની સાક્ષી છે. આ આઠેય સિદ્ધિમાં તેનું ખેલાડી તરીકે નાનું-મોટું યોગદાન હતું, પણ હવે આ વર્ષે જૂનમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપમાં નથી રમવા માગતી.

અલીઝા હિલી જેમાં રમી હતી એ આઠ વર્લ્ડ કપની વિગત આ મુજબ છેઃ 2010, 2012, 2014, 2018, 2020 અને 2023માં ટી-20 વર્લ્ડ કપ અને 2013 તથા 2022માં વન-ડે વર્લ્ડ કપ.

આ પણ વાંચો : વેસ્ટ ઇન્ડીઝના આ પાવર હીટરે IPLમાંથી નિવૃત્તિ લીધી! IPL 2026માં નવી ભૂમિકામાં જોવા મળશે

ઑસ્ટ્રેલિયાની કૅપ્ટન અલીઝા હિલી મહાન વિકેટકીપર-બૅટ્સમૅન ઇયાન હિલીની ભત્રીજી છે. ઇયાન હિલી 61 વર્ષના છે. તેમણે 1988થી 1999 સુધીની 11 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 6,000થી પણ વધુ રન કર્યા હતા અને સ્ટમ્પ્સની પાછળથી કુલ 600થી પણ વધુ શિકાર કર્યા હતા. અલીઝા હિલીએ 15 વર્ષની કારકિર્દીમાં કુલ 295 ઇન્ટરનૅશનલ મૅચમાં 7,000થી પણ વધુ રન કર્યા છે અને સ્ટમ્પ્સની પાછળથી કુલ 270થી પણ વધુ શિકાર કર્યા છે.

મિચલ સ્કાર્કનું કહેવું છે કે જ્યાં સુધી તે ઑસ્ટ્રેલિયાને જિતાડવા પોતાને સક્ષમ માનશે ત્યાં સુધી રમતો રહેશે. જોકે તેની પત્ની અલીઝા હિલીએ કહ્યું છે કે ` છેલ્લા થોડા વર્ષોથી હું ઈજાને કારણે કંટાળી ગઈ હતી. માનસિક રીતે પણ એટલી બધી થાકી ગઈ છું કે હવે મારે નિર્ણય લેવો જ પડ્યો. હું જાહેરાત હમણાં નહોતી કરવા માગતી, પરંતુ જૂનના વિશ્વ કપ માટે કૅપ્ટન તથા ખેલાડીના રૂપમાં મારી અનુગામીનું સિલેક્શન આસાનીથી થઈ એ હેતુથી મેં નિવૃત્તિ (Retirement)ની જાહેરાત કરી છે.’

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button