ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશીપ ગુરુવારથી રાજકોટમાં યોજાશેઃ દેશની 32 ટીમ વચ્ચે રોમાંચક ટક્કર

રાજકોટઃ દેશની સૌથી પ્રતિષ્ઠિત રમતગમત સ્પર્ધાઓમાંની એક એવી ઓલ ઈન્ડિયા પોલીસ હોકી ચેમ્પિયનશિપની 74મી સિઝન ચોથી ડિસેમ્બરના ગુરુવારથી લઈ 14 ડિસેમ્બર, 2025 દરમિયાન રાજકોટમાં યોજાવાની છે. આ ટૂર્નામેન્ટ માટે તમામ પ્રકારનું આયોજન ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે. રાજકોટ ખાતે યોજાઈ રહેલા આ ચેમ્પિયનશિપ માટે તૈયારી કરી દેવામાં આવી છે, જ્યારે સુરક્ષા સહિત અન્ય બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.
હોકી ચેમ્પિયનશિપમાં કુલ 32 ટીમ ભાગ લેશે
વિગતે વાત કરવામાં આવે તો, આ રાષ્ટ્રીય સ્તરની હોકી ચેમ્પિયનશિપમાં ભારતના અલગ અલગ રાજ્યોના પોલીસ દળો, કેન્દ્ર સરકારના અર્ધલશ્કરી દળો અને ભારતભરની અન્ય સુરક્ષા એજન્સીઓની 24 પુરુષ અને 8 મહિલા ટીમો સહિત કુલ 32 ટીમ ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ભારતની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન આપતી દળોના ખેલાડીઓ માટે તેમની પ્રતિભા દર્શાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે.
હોકી ચેમ્પિયનશિપની તૈયારી કેવી છે?
હોકી ચેમ્પિયનશિપ માટે રાજકોટમાં બે મોટી જગ્યાઓ પસંદ કરવામાં આવી છે. જેમાં એક આધુનિક સુવિધાઓ ધરાવતું આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેદાન એટલે કે મેજર ધ્યાનચંદ હોકી સ્ટેડિયમ અને બીજું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોકી ગ્રાઉન્ડ અહીં અનેક રાજ્ય કક્ષાની ચેમ્પિયનશિપનું આયોજન થયેલું છે. આ બે જગ્યાએ આ આખી ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને મેદાનોમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ અને તાલીમ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરી દેવામાં આવી છે. ખેલાડીઓ માટે ખાસ આરામ ગૃહો, તાલીમ ઝોન અને તબીબી સુવિધાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. જેથી ખેલાડીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ના કરવો પડે.
ત્રીજી ડિસેમ્બરે ચેમ્પિયનશિપ માટે રિહર્સલ
રાજકોટ શહેરના પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે હોકી ચેમ્પિયનશિપનો ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના ડીજીપી વિકાસ સહાય મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. આ સાથે ભારતના અનેક સિનિયર અધિકારીઓ અને ખેલાડીઓ પણ ઉપસ્થિત રહેશે. આ હોકી ચેમ્પિયનશિપ માટે 3 ડિસેમ્બરે રિહર્સલ યોજાશે. તારીખ 14મી ડિસેમ્બરે સમાપન સમારોહ રાખવામાં આવશે. આ દરમિયાન વિજેતા ટીમ અને રનર અપ ટીમોને ટ્રોફી અને એવોર્ડ આપવામાં આવશે. સમાપન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રાખવામાં આવ્યાં છે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે.
હોકી ચેમ્પિયનશિપ રાજકોટ માટે મહત્વપૂર્ણ
આ ચેમ્પિયનશિપ રાજકોટમાં યોજાઈ રહી છે તે રાજકોટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાજકોટ શહેરમાં આ પહેલા પણ નેશનલ અને આંતરરાષ્ટ્રીય રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. રાજકોટ શહેર આવી મોટી સ્પોર્ટ ઇવેન્ટ માટે સક્ષણ હોવાનું સાબિત થયેલું છે. આ હોકી ચેમ્પિયનશીપ માટે રાજકોટ શહેર પોલીસે ખાસ સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન, સ્ટેડિયમ સુરક્ષા, તબીબી સહાય અને ખેલાડીઓના ભોજન અને રહેવાની તમામ વ્યવસ્થા કરી છે.
કઈ કઈ ટીમ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે?
આ ચેમ્પિયનશીપ ટૂર્નામેન્ટમાં પંજાબ પોલીસ, પશ્ચિમ બંગાળ પોલીસ, SSB (પુરુષો), SSB (મહિલા), ઝારખંડ પોલીસ, મહારાષ્ટ્ર પોલીસ, મહારાષ્ટ્ર મહિલા પોલીસ, ત્રિપુરા પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ, ITBP, કર્ણાટક પોલીસ, છત્તીસગઢ પોલીસ, CRPF (પુરુષો), CRPF (મહિલા), CISF, જમ્મુ અને કાશ્મીર પોલીસ, ચંદીગઢ પોલીસ, મણિપુર પોલીસ, રાજસ્થાન પોલીસ, ગુજરાત પોલીસ અને ગુજરાત મહિલા પોલીસની ટીમો ભાગ લેવાની છે.
આ ચેમ્પિયનશીપમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ પણ હાજરી આપવાના છે. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસ દળ ટીમના ખેલાડી લલિત કુમાર ઉપાધ્યાય, ભારતીય ફિલ્ડ હોકી ખેલાડી આકાશદીપ સિંહ અને પંજાબ પોલીસમાં સેવા આપતા શમશેર સિંહ ખાસ હાજરી આપવાના છે.



