ઘરેથી મૃત્યુના સમાચાર મળ્યા પછી પણ આકાશ દીપ ગૅબામાં રમ્યો અને પરાજયથી બચાવ્યા

બ્રિસ્બેનઃ ખરો ખેલાડી એને કહેવાય જે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યને પ્રાથમિકતા આપે. ગમે એવી કપરી સ્થિતિમાં કે ગમે એવી લાગણીઓ વચ્ચે મેદાન પર પોતાની મનઃસ્થિતિ યથાવત રાખીને પોતાની ટીમને જિતાડવા માટે પૂરી ક્ષમતા અને પૂરી સમજદારી કામે લગાડવી એ જ ખેલાડીની અસલી પરિભાષા છે. પેસ બોલર આકાશ દીપે ઑસ્ટ્રેલિયાના પ્રવાસમાં એવું જ કર્તવ્ય ઑસ્ટ્રેલિયામાં દાખવ્યું.
આકાશ દીપે બોલર તરીકેની પોતાની અસલી જવાબદારી તો નિભાવી, બૅટર તરીકેની કાબેલિયત પણ બતાવી અને ભારતને પરાજયથી બચાવી લીધું.
વાત એવી છે કે 11મી ડિસેમ્બરે આકાશ દીપના કાકા (પપ્પાના મોટા ભાઈ) ભૈરોદયાલ સિંહ (82 વર્ષ)નું નિધન થયું હતું.
28 વર્ષનો આકાશ દીપ બિહારનો છે અને તેના ઘરમાં શોક પાળવામાં આવી રહ્યો હતો ત્યારે આકાશ દીપ ઑસ્ટ્રેલિયામાં પોતાની ફરજ પર હતો.
શનિવાર, 14મી ડિસેમ્બરથી ગૅબાની ટેસ્ટ રમાવાની હોવાથી આકાશ દીપ પ્રૅક્ટિસમાં વ્યસ્ત હતો. કાકાના અવસાનના સમાચાર મળ્યા બાદ એક બાજુ તેના પર પરિવારને આ કપરી પરિસ્થિતિમાં હિંમત અપાવવાની જવાબદારી હતી તો બીજી બાજુ ગૅબામાં ભારતીય ટીમે (ઍડિલેઇડના પરાજય બાદ) વધુ એક હાર ન જોવી પડે એની તકેદારી રાખવાનું કર્તવ્ય પણ તેણે અદા કરવાનું હતું. તેણે બન્ને જવાબદારી બખૂબી નિભાવી હતી.
આ પણ વાંચો : બ્રિસ્બેનમાં વરસાદે શરૂઆત બગાડી, મેઘરાજા કદાચ બાકીના ચારેય દિવસ હેરાન કરશે
આ સિરીઝમાં બૅટિંગમાં કેએલ રાહુલને બાદ કરતા ભારતનો ટૉપ-ઑર્ડર ફ્લૉપ છે અને એ સ્થિતિમાં ગૅબા ટેસ્ટના પ્રથમ દાવમાં આકાશ દીપે જસપ્રીત બુમરાહ સાથે મળીને ભારતને ફૉલો-ઑનની નામોશીમાંથી બચાવી લીધું હતું. ભારતે ફૉલો-ઑનથી બચવા 246 રન બનાવવાના હતા. નવ વિકેટ પડી ચૂકી હતી. જોકે આકાશ અને બુમરાહ ક્રીઝ પર ટકી રહ્યા હતા અને ભારતને ફૉલો-ઑનથી બચાવી લીધું હતું. આકાશ છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવીને સૌ કોઈને ચકિત કરી દીધા હતા.
આકાશે 60 મિનિટ સુધી એક ગઢ સાચવી રાખીને 44 બૉલમાં એક સિક્સર, બે ફોરની મદદથી બહુમૂલ્ય 31 રન બનાવ્યા હતા, જ્યારે બુમરાહ 38 બૉલમાં એક સિક્સરની મદદથી બનેલા 10 રને અણનમ રહ્યો હતો.
બન્ને ફાસ્ટ બોલરની મૅચ-સેવિંગ બૅટિંગ જોઈને ડ્રેસિંગ-રૂમમાં આનંદોત્સવ હતો ત્યારે આકાશ દીપ કાકાના અવસાન બદલ ગમગીન હાલતમાં પણ ભારતને નાલેશીમાંથી બચાવવામાં મગ્ન હતો.
જો ભારતે ફૉલો-ઑન થવું પડ્યું હોત તો વરસાદના વિઘ્નો છતાં ભારતના પરાજયની વધુ સંભાવના હતી.
છેવટે બુધવારે આ ટેસ્ટ ડ્રૉમાં ગઈ હતી અને ભારત-ઑસ્ટ્રેલિયા 1-1ની બરાબરીમાં જ રહ્યા.