IND VS ENG: આકાશ દીપને ડેબ્યૂ કેપ આપતા રાહુલ દ્રવિડની સ્પીચે લોકોનું દિલ જીતી લીધું
રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ આજે રાંચીમાં રમાઈ હતી, જ્યાં ભારતીય ટીમમાં નવોદિત ખેલાડીને સ્થાન મળ્યું હતું. આજની મેચમાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે નવોદિત આકાશ દીપને ટેસ્ટ કેપ આપીને ડેબ્યૂ કરાવ્યું હતું. એ વખતે કોચ રાહુલ દ્રવિડે હિન્દી ભાષામાં સ્પીચ આપીને સૌનું દિલ જીતી લીધું હતું, જ્યારે રાહુલની ભાવુક સ્પીચ સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી લોકોએ તેની પ્રશંસા પણ કરી હતી.
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડની સ્પીચને સત્તાવાર રીતે બીસીસીઆઈએ પણ શેર કરી હતી. વાઈરલ વીડિયોમાં દ્રવિડે આકાશ દીપની જર્ની અંગે વાતચીત કરી હતી, જ્યારે મેચમાં શાનદાર પ્રદર્શન અંગે તેને શુભેચ્છા પણ આપી હતી. આકાશ દીપની જર્ની અંગે રાહુલ દ્રવિડે કહ્યું હતું કે અહીંયાથી 200 કિલોમીટર અંતરે દૂર આકાશની જર્ની શરુ થઈ હતી.
દ્રવિડે આકાશ દીપને મેચ એન્જોય કરવાની સાથે ટીમમાં એન્ટ્રી માટે તેને સખત મહેનત કરવી પડી હોવાનું પણ જણાવ્યું હતું. અમને બધાને સૌથી વધુ ખુશી થાય છે કે તમારું આ ડ્રીમ પૂરું કરવામાં આજે અમે બધા તારી સાથે છીએ. પાંચ દિવસ અને પૂરી કારકિર્દીનો ખૂબ એન્જોય કરો. બહુ આનંદ સાથે હું 313 નંબરની કેપ તને આપું છું.
આકાશ દીપે તેની પહેલી ટેસ્ટ મેચમાં લંચ પહેલા ઇંગ્લેન્ડના ત્રણ બેટરનો શિકાર કર્યો હતો. બેન ડકેટ, ઓલી પોપ અને જૈક ક્રાઉલીની મહત્ત્વની વિકેટ ઝડપી હતી. આજની મેચમાં આકાશ દીપે 17 ઓવરમાં 70 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી.