રોહિત શર્મા પાસેથી વન-ડેની કૅપ્ટન્સી કેમ આંચકી લેવામાં આવી?

અમદાવાદઃ આગામી 19મી ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયામાં શરૂ થનારી ત્રણ મૅચની વન-ડે સિરીઝ માટે સિલેક્ટ થનારી ભારતીય ટીમનું સુકાન માર્ચ મહિનાની ચૅમ્પિયન્સ ટ્રોફીના ચૅમ્પિયન કૅપ્ટન રોહિત શર્મા (Rohit Sharma)ને જ સોંપવામાં આવશે એવું માનવામાં આવતું હતું, પરંતુ શનિવારે અજિત આગરકરના અધ્યક્ષસ્થાનમાં સિલેક્શન કમિટીની જે બેઠક યોજાઈ એમાં ચોંકાવનારો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.
જેમાં 38 વર્ષના રોહિત શર્મા પાસેથી વન-ડે ટીમનું સુકાન (captaincy) આંચકીને 26 વર્ષના શુભમન ગિલને સોંપવામાં આવ્યું હતું. રોહિત ટેસ્ટ અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે, પરંતુ વન-ડેમાં રમવાનું તેણે ચાલુ રાખ્યું છે તો પણ કેમ તેની પાસેથી કૅપ્ટન્સીની જવાબદારી પાછી લઈ લેવામાં આવી એની ખૂબ ચર્ચા ક્રિકેટ જગતમાં થઈ રહી છે.

રોહિત શર્મા અને વિરાટ કોહલીને 15 ખેલાડીઓની વન-ડે સ્ક્વૉડમાં સામેલ તો કરવામાં આવ્યા છે, પરંતુ શું ઑસ્ટ્રેલિયાની ટૂર તેમની શાનદાર કરીઅરમાં ફેરવેલ-સિરીઝ બની રહેશે એવી પણ વાતો થઈ રહી છે. વિરાટ હંમેશની માફક એવર-ફિટ ખેલાડી છે અને ફિટનેસની બાબતમાં તેના વિશે કંઈ જ નકારાત્મક સંકેતો નથી મળ્યા, પણ રોહિત, જેણે તાજેતરમાં વજન થોડું ઘટાડ્યું છે અને બેંગ્લૂરુમાં બીસીસીઆઇની ઍકેડેમીમાં પ્રૅક્ટિસ કરવા ઉપરાંત ફિટનેસ-ટેસ્ટ પણ આપી છે, તેના વન-ડેના ભાવિ વિશે કંઈ ચોક્કસ ન કહી શકાય.
કારણ એ છે કે વન-ડેના આ વિશ્વવિક્રમી અને બૅટિંગ-લેજન્ડનું ફૉર્મ કદાચ સિલેક્ટરોને સતાવી રહ્યું હશે એટલે જ તેમણે 2027ના વન-ડે વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને અત્યારથી યુવાન ખેલાડીને (ગિલને) ટેસ્ટ ટીમ પછી વન-ડે ટીમનું પણ નેતૃત્વ સોંપી દેવાનું નક્કી કર્યું હશે.
ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ-કોચ ગૌતમ ગંભીરે એક પછી એક સિરીઝને સફળ બનાવવામાં પોતપોતાની રીતે યોગદાન આપવાનું હોય છે અને એવું મનાય છે કે 2027ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં તૈયાર કરવામાં આવી રહેલી ટીમમાં રોહિત અને વિરાટને સામેલ કરવા સંબંધમાં તેઓ ચોક્કસ નથી જણાઈ રહ્યા.
બીજી એક ચર્ચા એવી પણ છે કે આગરકર-ગંભીર કદાચ એવું માને છે કે રોહિત અને વિરાટ (ટેસ્ટ તથા ટી-20 ઇન્ટરનૅશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ હવે) વર્ષ દરમ્યાન ફક્ત એક ફૉર્મેટ (વન-ડે)માં તથા આઇપીએલ રમતા હોવાથી વન-ડે ટીમમાં પણ સ્થાન જમાવી શકે એમ નથી. ખાસ કરીને રોહિત ફિટનેસ જાળવી શકશે કે કેમ એ વિશે બન્નેને સંદેહ છે.
શુભમન ગિલ યુવાન છે અને તેને નેતૃત્વ સોંપીને બે વર્ષ પછીના વર્લ્ડ કપ માટેની ટીમ તૈયાર કરવા પર લક્ષ આપવામાં આવે તો આસાની રહે એવું પણ ચીફ સિલેક્ટર અને હેડ-કોચ માનતા હશે. જે કંઈ હોય, ભારતની છેલ્લે રમાયેલી વન-ડે ટૂર્નામેન્ટનો વિજેતા સુકાની (રોહિત) હવે પછીની શ્રેણીમાં કૅપ્ટન તરીકે નહીં, પરંતુ માત્ર એક ખેલાડી તરીકે મેદાન પર જોવા મળશે એનાથી તેના અસંખ્ય ચાહકો નિરાશ તો થશે જ. બે વર્ષ પહેલાં આઇપીએલમાં પણ આવું જ બન્યું હતું. મુંબઈ ઇન્ડિયન્સની કૅપ્ટન્સી રોહિત પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપવામાં આવી હતી ત્યારે રોહિતના અનેક ચાહકોના દિલ તૂટી ગયા હતા.
રોહિત શર્માએ પોતાની વન-ડે કૅપ્ટન્સી ગઈ! એ મુદ્દે કેવી પ્રતિક્રિયા આપી? એવું અમદાવાદમાં શનિવારે એક પત્રકારે પૂછતાં આગરકરે એટલું જ કહ્યું હતું કે ` એ મારી અને રોહિત વચ્ચેની વાત છે. અમે સિલેક્ટરો અને રોહિત વચ્ચેનો એ મુદ્દો છે. હા, અમે તેની પાસેથી વન-ડેનું સુકાન પાછું લઈ રહ્યા છીએ એ અમે તેને જાહેરાત કરતાં પહેલાં જણાવી દીધું હતું. બીજું, હવે વન-ડે બહુ ઓછી રમાય છે એટલે સ્કવૉડ નક્કી કરવા માટે ત્રણ ફૉર્મેટમાં ત્રણ અલગ કૅપ્ટનના પર્ફોર્મન્સ વિશે અવલોકન કરવું મુશ્કેલ કામ થઈ જાય.’
ઉલ્લેખનીય છે કે શનિવાર પહેલાં ટેસ્ટમાં ગિલ, વન-ડેમાં રોહિત કૅપ્ટનપદે હતો અને સૂર્યકુમાર ટી-20 ટીમનું સુકાન સંભાળી રહ્યો છે. હવે ગિલ ટેસ્ટ તથા વન-ડેનો કૅપ્ટન છે અને સૂર્યા ટી-20નો સુકાની છે.
રોહિત હવે આંતરરાષ્ટ્રીય મૅચમાં કૅપ્ટનપદે નહીં જોવા મળે એ યુગ શરૂ થઈ જતાં જાણીતી હસ્તીઓની પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. ભૂતપૂર્વ ઑફ-સ્પિનર હરભજન સિંહે કહ્યું છે કે ` શુભમન ગિલને અભિનંદન. ટેસ્ટમાં તે ટીમ ઇન્ડિયાનું સુકાન બહુ સારી રીતે સંભાળી રહ્યો છે અને હવે તેને વન-ડેની કૅપ્ટન્સી પણ સોંપાઈ છે.
જોકે સાચું કહું તો મને આ નિર્ણયથી આંચકો લાગ્યો છે. હું તો એટલું જ કહીશ કે રોહિતને તમે ટીમમાં સિલેક્ટ કરો તો કૅપ્ટન તરીકે જ કરો. સૌથી મોટું કારણ એ છે કે તેણે તેમને હજી થોડા મહિના પહેલાં જ ચૅમ્પિયન્સ ટ્રોફી અપાવી છે. વાઇટ-બૉલ ક્રિકેટમાં તે હંમેશાં ભારતીય ટીમ માટે આધારસ્તંભ બન્યો છે. કમસે કમ, ઑસ્ટ્રેલિયાની ટૂરમાં તેને સુકાન સોંપાવું જોઈતું હતું. ભાઈ, 2027નો વર્લ્ડ કપ હજી ઘણો દૂર છે.’
આ પણ વાંચો…વન-ડે ટીમ જાહેરઃ ચૅમ્પિયન્સ ટ્રોફી જીતનારી ચૅમ્પિયન ટીમમાં કરાયા પાંચ ફેરફાર…